5 - તને તો... / હર્ષદ ત્રિવેદી


તને તો એમ
કે વાયરો આવશે ને ઊડી જશે
આપણાં પગલાં
પણ, આપણે ચાલ્યાં હતાં એ રેત
મરુભૂમિની નહોતી,
સમુદ્ર કિનારાની હતી;
જયાં પગ ઊપડે કે તરત
તગતગી ઊઠે છે પાણી !

તને તો એમ
કે આપણે ગાયેલું ગીત
નથી સાંભળ્યું કોઇએ,
પણ, હમણાં જ માથા પરથી
ઊડીને ગયું
એ પંખી લઈ ગયું એનો સ્વર !

તને તો એમ
કે જોતું નથી કોઈ,
પણ, સામે દેખાય છે
તે ચન્દ્ર નથી
એ તો છે ચકચકિત આયનો !

સમુદ્રમાં ચાલ્યા કરે છે ભરતી - ઓટ
ગીત ઉડાડ્યા કરે છે પંખીઓ હવામાં.
ચંદ્રની કળા
પક્ષે વધે ને પક્ષે ઘટે
તોય નથી ખરી પડતું પેલું બિંબ !
હજી પણ -
આ સાંજની
ઓઢણીનો રંગ જોયા વિના જ
તું કહે છે :
મને તો એમ
કે...!


0 comments


Leave comment