6 - અસ્તિત્વ / હર્ષદ ત્રિવેદી


મેં રોપેલા છોડને
પાણી સીંચ્યા પછી
રોજ એકનજર તાકી રહેવું એ મારી ટેવ.

આજે નહીં તો કાલે,
અંધારી રાતે,
ખીલી ઊઠશે
ચમકતા - દમકતા તારલા !
ફાળ ભરતી મ્હેક
ફરી વળશે ઠેકઠેકાણે
જાદુઈ છડીની જેમ
ઘેરી લેશે મારા અસ્તિત્વને,
કરી મૂકશે અંદર - બહાર બધું તરબતર !

પણ ક્યારેક -
કોઇક છોડ એવા યે હોય
જેને હવા- પાણી તો શું
જમીન સુધ્ધાં સદે નહીં !
એનું ચીમળાવું પાંદડેથી શરૂ થાય છે
કે મૂળમાંથી એની ખબર પડે
એ પહેલાં તો
લબડી પડે છે એની લોથ !

આજે અચાનક
ઝારી રહી ગઈ હાથમાં,
થીજી ગઈ પાણીની ધાર !
જોઉં તો વેંતવા છેટે એક અંકુર
જેણે હમણાં જ ઊઘાડી છે આંખ.
મૃદુ - મસૃણ લોભામણી - રતૂમડી એની ઝાંય !

હું,
મેં રોપેલા છોડનાં
સુકાયેલાં પાન આઘાં પાછાં કરી
એનાં ઉપર માટી વાળી દઉં છું !


0 comments


Leave comment