7 - ભૂલી ગયો છું ! / હર્ષદ ત્રિવેદી


ગઈ કાલે સવારે
ટપોટપ ખર્યાં બે - ચાર જાંબુ
પાણી આવી ગયું મોંમાં
તો ય તને યાદ ન કરી !

ડાળ ઉપર
બુલબુલ એક શ્વાસે
પોકારતું રહ્યું તારું નામ
મેં આંખ આડા કાન કર્યા
ને એ ઊડી ગયું !

પરબમાં પાણી રેડતાં
રોજ કોઈ પૂછે છે
ઠીબ સાફ કરી ?
ને હું જામી ગયેલી લીલનાં
ઘસી કાઢું છું એક પછી એક પડળ !

ઘરમાં આવીને દીવાલ પરની
તસવીર ઉતારીને
ઊંઘી વાળી દઉં છું
ને મને કહું છું
હું તને ભૂલી ગયો છું !


0 comments


Leave comment