8.5 - નમ્ર હોવું એટલે નામર્દ હોવું ? / સંવાદ / જ્વલંત છાયા


    અમેરિકાના વર્તમાનપત્રો અને ચેનલો જોઇને પેલી પ્રસિદ્ધ કીન્વદંતી યાદ આવી ગઈ, ‘કાઠિયાવાડમાં એક ભાઈ, મોટી મૂંછો ને લીંબુની ફાડ જેવી આંખ, ચહેરા પર ભારોભાર ગંભીરતા.’ રમેશ પારેખના આલા ખાચર જેવા ભારી રસ્તા પરથી પસાર થતાં હતા. પગમાં તેને ઈજા થઇ. આગળ ગયા, ફરી પગમાં ઈંટ વાગી. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેને વાગતું જ જાય. આગળ કોઈએ પૂછ્યું, ‘ભાઈ આટલું કેમ વાગે છે ? નીચે જોઇને ચાલતા હો તો ?’ તો પેલા આલા ખાચર જેવા ભાઈ કહે, ‘કાં, અમે એવું તો વળી શું કર્યું છે કે નીચે જોઈએ ? અમારા ખાનદાનમાં કોઈએ નીચું જોયું નથી, તો અમે શાના જોઈએ ?’ આવું જ કંઈક થયું અમેરિકાની પ્રજાને. પ્રમુખ બરાક ઓબામા જાપાન જઈને તેના રાજાને નમ્યા, ઝૂક્યા અને અમેરિકાના લોકોને લાગ્યું કે આ તો સુર્પણખા જેવું થયું. નાક કપાયું નાક ! પ્રમુખ પર લોકો નારાજ થયા કે આપણે એમ ઝુકાય ?

    જેટલી હળવાશ અહીં આ વાતમાં છે તેટલી અમેરિકનોના મૂડમાં નહોતી. અમેરિકાની અનેક બાબતો અને વાતો આપણને આકર્ષે તેમ છતાં આ એક વાતમાં તેને આપણે સમર્થન આપી શકીએ તેમ નથી. ઝૂકવાને દુર્ગુણ માનનારા અમેરિકનોને ગુજરાતી કહેવત કોણ સમજાવે કે ‘નમે તે સૌને ગમે.’ પ્રમુખ ઓબામા નમ્યા, ઝૂક્યા તેની કોઈ ટીકા ન હોય, કેમ કે તેના અનેક કારણો છે. સૌ પ્રથમ તો એ કે એ રીતે નમવું તે જાપાનની રસમ છે, તહેઝીબ છે, રિવાજ છે, ટ્રેડીશન છે. એટલે ‘દેશ તેવો વેશ’ પ્રમુખ કરે તો તેમાં વાંધો શું? આપણે ત્યાં આવીને ક્લિન્ટન બે હાથ જોડે તે કંઈ તેની કાકલૂદી થોડી છે ? રાજ કપૂરે આવારા અને શ્રી ૪૨૦ માં હેટ ઉતારી છે તે માત્ર તેના વ્હાલા ચાર્લીની મિમિક્રી નહોતી, એ પણ બ્રિટીશરોની સામેના માણસને આદર આપવાની એક રીત છે. યાર, રીતરસમ જવા દ્યો. એમ કહો કે નમવામાં વાંધો શું ? દોષ શું? દોષ ? ઓબામા જેને આદર્શ માને છે તે મહાત્મા ગાંધી એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જિન્હા હોય કે કોઈ વાઈસરોય કે અંતેવાસી, બાપુનો વ્યવહાર નમ્ર જ રહેતો. પણ બાપુ તેમના ઈરાદામાં ડગ્યા નહોતા. ‘લોંગ વોક ટુ ધ ફ્રિડમ’ જેવી નેલ્સન મંડેલાની આત્મકથા વાંચીએ તો ખ્યાલ આવે કે તેમણે કેટલું સહન કર્યું હતું, પરંતુ એ પછી પણ તેના ચહેરા પરનું સ્મિત બરકરાર જ હતું. હિટલર પણ લોકોને યાદ તો છે જ પરંતુ આદર વધારે તો ગાંધીજીને જ મળે છે. આખરે સત્તા કે હોદ્દા કરતાં માનવતા કદાચ વધારે ચડિયાતી હશે. મનોજ ખંડેરિયા કહે છે ને, ‘હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન, નયનનાં આંસુ જડિત તખ્તનો વિકલ્પ નથી.’ સંવેદના વગરની સત્તા શાસન કરી શકે પરંતુ તે શાશ્વત ન હોય.

    આપણે વર્ષોથી એવું સાંભળીએ છીએ કે વૃક્ષને જેમ ફળ આવે તેમ તે વધુ ને વધુ નીચે નમે. ઓબામા નમ્યા. એ એની લઘુતા કે નામર્દાઈ થોડી હતી ? નમ્ર હોવું એ કંઈ નામર્દ હોવાનો પર્યાય નથી. તો તો ભારતના લોકો નારાજ થવામાંથી ઊંચા જ ન આવે. અહીં તો એ જ ગુણ છે ભાઈ ! રામાયણમાં અંગદ અને મહાભારતમાં સ્વયં કૃષ્ણ વિષ્ટિ કરવા ગયા છે અને એવા સેંકડો દાખાં આપણા ઈતિહાસમાં છે. જૈનિઝમ તો તેના મૂળ મંત્રમાં જ નમવાની વાત કરે છે. ઈશ્વરને નમવાની વાત તો છે જ પણ બીજો જ મંત્ર એમ છે કે નમો: સિદ્ધાણ, એટલે કે જે સિદ્ધ તેને નમો અથવા નામું છું. સિતાંશુ મહેતાની એક કવિતાની એક લીટીમાં આ વાત રજૂ થઇ છે, ‘જેવો પેલો રામ અમર એવી અમર શબરીયે આપ.’ મેઘાણીએ લખ્યું, ‘છેલ્લો કટોરો ઝેરનો તમે પી જજો બાપુ’ એ ગોળમેજી પરિષદમાં પણ બાપુ વિવેક ચૂક્યા નહોતાં ને છતાં એ બ્રિટીશરો સામે લડ્યા પણ હતાં જ. ઝૂકવું એટલે હારી જવું એવો ખ્યાલ ખોટો છે. એક વાત એ પણ છે ક નમવું એ માત્ર ફિઝીકલ પ્રક્રિયા નથી, મન વગરનું નમન નકામું. હા, તમને યાદ આવી ગઈ ફિલ્મ ‘સરકાર રાજ’. જેમાં અભિષેક પેલા ગોડફાધરને પગે લાગે છે ત્યારે તે ના પાડી દે છે. ઝૂકવાની વાત આવે એટલે સમગ્ર એટીટ્યુડ સાથે તે જોડાય છે. સમાજ હોય કે સંજોગો, લાગણી હોય કે લડાઈ, ક્યાંક કોઈક ઝૂકે છે, ઝૂકવું પડે છે. અને કેટલીક વાર ‘ઝૂકમાં જ સુખ’ હોય છે. વડીલોના મોઢે સાંભળેલી એક પંક્તિ એવો જ મેસેજ આપે છે, ‘જગતના સુખદુઃખોને સહન કરતાં શીખી લેજો, કદી કોઈ વેર રાખે તો નમન કરતા શીખી લેજો.’

    ખલિલ જિબ્રાને કહ્યું છે, ‘બાળક રૂપી તીરને દૂર મોકલવા, તેના લક્ષ્ય સુધી પહોંચાડવા માતા-પિતાઓ એ ધનુષની જેમ ઝૂકવું જ પડે. એક થોડી આડી વાત, સાવજ જ્યારે શિકાર કરે ત્યારે પહેલાં ઝૂકે છે, પછી તરાપ મારે છે. શાંતિના વૈશ્વિક પ્રતીક સમાન ઓબામા જો નમ્ર ન હોય તો કોણ હોય ? હવે તેઓ માત્ર મહાસત્તાના પ્રમુખ નથી, વિશ્વશાંતિના પણ વાહક છે, મિશનરી છે.

    ગંગાસતીનું એક પ્રેરક ભજન છે, ‘ભક્તિ કરવી એને તો રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે...’ આ ભજનમાં જે ભક્તિ શબ્દ છે તે હાથમાં કરતાલ પકડવાની વાત નથી અને રાંક મીન્સ નોટ ગરીબ. અર્થ એવો છે કે જેને કોઈ મિશન લેવું છે કોઈ કામ કરવું છે, ભક્તિની કક્ષાએ કોઈ સિદ્ધિ મેળવવી છે. તેણે અંતરનું અભિમાન મેલીને રાંક, નમ્ર બનીને રહેવું જોઈએ. ઓબામાએ હવે વિશ્વશાંતિની ભક્તિ કરવાની છે, રાંક થયા વગર નહીં ચાલે. વાત રાજપુરુષની ચાલી રહી છે તો અટલ બિહારી બાજપાઈની એક સરસ પંક્તિ યાદ આવે છે, ‘મેરે પ્રભુ, મુજે ઇતની રુખાઈ કભી મટ દેના, ગૌ કો ગલે ન લગા સકું ઇતની ઊંચાઈ કભી મત દેના.’

    વાત એક પ્રમુખ, એક રાજા કે કોઈ એક ઘટનાની નથી. નમવું એ સહજ અને સ્વયં એક મજાની ઘટના છે. નમસ્કારનો અર્થ ભગવદગોમંડલ અનુસાર ધર્મપુરુષાર્થમાં રહેલી ૩૨ માહેની એક ઘટના. એટલે એમ ઝૂકી જવું એ કંઈ અવગુણ નથી અને અમેરિકનો તો આ બાબતમાં કંઈ જ ના બોલી શકે કેમ કે જાપાન પર હિરોશીમા નાગાસાકી પર જે તેણે કર્યું હતું પછી તો જયારે જયારે નમવાનો મોકો મળે ત્યારે ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.’ તેમ માની તેમણે ઝૂકવં. જ જોઈએ અને ઝૂકવામાં ફાયદો શું ? પૂછો અમરેલીનાં પેલા પૂર્વ કલેકટર ધનજીભાઈ ઝાલાવાડિયાને, એકવાર તે નરેન્દ્રભાઈને નમ્યા તે આખો દિવસ તેઓ ટીવીમાં દેખાયા હતાં. પેલી કહેવત છે, “નમન નમન મેં ફેર હૈ.”


0 comments


Leave comment