25 - આંખોમાં બેઠેલા ચાતક કહે છે / તુષાર શુક્લ
આંખોમાં બેઠેલા ચાતક કહે છે :
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાની
કોઈ કારણ પૂછે તો કહું : ખાસ છે !
કોરી કુંવારી આ હાથની હથેળીમાં
માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરાં આકાશમાં
આષાઢી સ્હાંજ એક માગી
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે
ભીંજાવું એ તો આભાસ છે.
કોરપની વેદના આ કેમે સહેવાય નહિ
રૂંવે રૂંવેથી મને વાગે
પહેલા વરસાદ તણું મધ મીઠું સોણલું
રહી રહીને મારામાં જાગે
નસ નસ આ ફાટીને વહેવા ચાહે છે
આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે !
0 comments
Leave comment