29 - મુને ગમતી શિયાળાની મોસમ, જુવાન / તુષાર શુક્લ
મુને ગમતી શિયાળાની મોસમ, જુવાન
એના દા’ડા ટૂંકા ને રાત લાંબી
ચંદનના ઢોલિયા ઢળાવું, હો રાજ
મારે ના જોઈએ કડલાં કે કાંબી.
બળબળતા વાયરા ને ઊના ઊજાગરાને
ઉંબર પર બેસી વળાવ્યા
મારા નિ:શ્વાસને મેં તારા વિશ્વાસ તણી
આંગણીએ હેતથી ભળાવ્યા
હવે મોલે પધારો તો હું જાણું, હો રાજ
રાત મેડીમાં ઊતરે ગુલાબી
ઊનાળુ એકલતા જીરવી જવાય
એના દિવસો લાંબા ને રાત ટૂંકી
ચોમાસે ઓઢણીના મોરલાઓ બોલે :
અલી, નીરખી લે વાત ઝૂકી ઝૂકી
હવે કમખાની કસ્સ કેમ બાંધું, હો રાજ
મારી આંગળીઓ જાય નહીં આંબી.
0 comments
Leave comment