30 - અબોલા તો આવળનાં ફૂલ, મારી રાણી / તુષાર શુક્લ


અબોલા તો આવળના ફૂલ, મારી રાણી
અબોલા તો આવળનાં ફૂલ.
ક્ષણભારની ઝૂલમઝૂલ, મારી રાણી,
અબોલા તો આવળનાં ફૂલ.

ગામને પાદર, સીમ સીમાડે,
કોઈ લીલુડી ખેતર વાડે,
હોઠ બીડ્યાં તો ય હૈયું બોલ્યું
એટલી મારી ભૂલ....
અબોલા તો આવળનાં ફૂલ.

હોઠની સુવાસ, આંખને દ્વારે
બુલબુલ બોલ્યું એક સવારે
ટહુકા એકમાં ચાડિયા કેરું
જીવવું થાય વસૂલ...
અબોલા તો આવળનાં ફૂલ.

આંગણાના લીંપણમાં મારા
ઝાંઝર રણકે કોક દી’ તારાં
હુક્કા, બેડાં, પાવા સઘળાં
વાત કરે એ કબૂલ....
અબોલા તો આવળનાં ફૂલ.

ધોરિયામાં વહે વાત મજાની
કોસને હૈયે પ્રીત કૂવાની,
કણસલામાં તગતગે એના
નેહનાં ગીત અમૂલ.
અબોલા તો આવળનાં ફૂલ.


0 comments


Leave comment