31 - અલી માછણ, તારે આંગણ તારો દરિયો આવી પૂગ્યો રે / તુષાર શુક્લ
અલી માછણ, તારે આંગણ તારો દરિયો આવી પૂગ્યો રે, દરવાજો ખોલ
અલી માછણ, તારે ઉંબર તારો ચાંદો આવી ઊગ્યો રે, દરવાજો ખોલ.
ઝંખ્યો ત્યારે ડંખ્યો રે હવે નહિ ખોલું
માગ્યો ત્યારે વાગ્યો રે હવે નહિ ખોલું
લસ લસ તારી કાયા, જાણે કાળો અરસપહાણ રે, દરવાજો ખોલ.
જો ને અઢળક તારી માયામાં મેં અધવચ્ચે મેલ્યા વ્હાણ રે, દરવાજો ખોલ.
વાર્યો તો ના માન્યો રે હવે નહિ ખોલું
હવે હાર્યો પાછો આવ્યો રે હવે નહિ ખોલું.
અવસર આડે ઉંબર ઊભા, અમે તો પાછા વળશું રે, દરવાજો ખોલ.
આજ મળ્યાની વેલ છૂટશે, કે દી’ પાછા મળશું રે, દરવાજો ખોલ.
છાતીમાં છટપટતી જોને માછલીઓ બેફામ તોયે નહિ ખોલું
નસનસમાં હિલ્લોળા લેતું નાળિયેરીનું ગામ તોયે નહિ ખોલું
તું તો અડકી ચાલ્યો જાય, મારે હૈયે કૈં કૈં થાય, જા હું નહિ ખોલું
આ જોબન વહેતું થાય, જીવતર ભરતી ઓટમાં જાય, જા હું નહિ ખોલું.
મેં તો ઠાલાં દીધાં બાર, તારી જાતે તું જ ઉઘાડ, જા હું નહિ ખોલું
આ તો વ્હાલની આડે વાડ, વ્હાલમ, મસમોટા ના પ્હાડ, જા હું નહિ ખોલું.
0 comments
Leave comment