2 - ‘મિલીના ઘર તરફ’ વિશે વિવિધ નાટ્યવિદોનાં મંતવ્યો.


     તારીખ ૬-૧-૨૦૦૯, મંગળવાર – ભવન્સ કલ્ચર સેન્ટર દ્વારા આયોજિત ‘ચિત્રલેખા’ નાટ્યસ્પર્ધાનાં અંતિમ ચરણમાં નિર્ણાયક સમિતિના એક સભ્ય તરીકે ‘મિલીના ઘર તરફ’ નાટક જોવાનો લ્હાવો મળ્યો.

     નાટક જોઇને આવ્યા પછી મારી રોજનિશીમાં મેં લખ્યું : ‘આજે બીજું લેખિકાનું લખેલું નાટક જોયું. યામિની વ્યાસ. કીડની ટ્રાન્સપ્લાન્ટની વાતમાંથી જે ડૉ.મિલી જેણે કીડની આપી – તે ત્યજી દેવામાં આવેલી પુત્રી – ઘરસ્ફોટ – પરાકાષ્ઠા બહુ જ સરસ – વિષયની દૃષ્ટિએ કંઈક જુદું – અભિનય સારાં –શરૂઆતમાં નાટકને નકામું લંબાવાયું.’

     યામિનીબેન ! નાટક જોઈને તે સમયે થયેલો પ્રતિભાવ અહીં જણાવ્યો છે. હું એટલું જરૂર કહીશ કે તમારી કૃતિ સાંપ્રત સમસ્યાને ઉજાગર કરે છે. સ્વ.મહેબૂબખાનના શબ્દોમાં ‘હૃદય પર હાથ મૂકી કહેવાનું મન થાય ‘યહાં લગી હૈ’ – તેઓ માનતા કે હૃદયમાં લાગણીના તાર ઝણઝણાવે એ જ વાર્તા લોકોને – પ્રેક્ષકોને જરૂર ગમે.

     તમારું નાટક ‘મિલીના ઘર તરફ’ પ્રકાશિત થાય છે તે માટે અભિનંદન. તમારા પ્રકાશક જેમણે નાટક પ્રકાશિત કરવાની હિંમત કરી તે માટે તેઓ પણ અભિનંદનને પાત્ર છે. ભવિષ્યમાં ‘મિલીના ઘર તરફ’ કરતાં પણ વધારે સારી કૃતિઓ તમે ગુજરાતી રંગભૂમિને આપતા રહેશો એવી સહઆશિષ શુભેચ્છા.

- હની છાયા
===xx===xx===xx===xx===
     બરોડા એમેચ્યોર્સ ડ્રામેટિક ક્લબ, વડોદરાની નાટ્યસંસ્થાના બહુભાષી એકાંકી મહોત્સવમાં યામિનીનું નાટક જોવાની તક મળી. સામાજિક દૃષ્ટિએ મહત્વનાં વિષય ભ્રૂણહત્યા વિશે આટલી કલાત્મક રીતે અને હિંમતભેર લખી શકાય અને એની રજૂઆત થઈ શકે એ અમને સહુને આનંદ –આશ્ચર્યપ્રેરક લાગ્યું.

     એ પછી પણ એ એકાંકીને બુડ્રેટી-ટી.એમ.સી. સંસ્થા દ્વારા પારિતોષિક આપવાનું ઠેરવ્યું ત્યારે યામિની અને ગૌરાંગ સાથે સંવાદનો મોકો મળ્યો ત્યારે આ દંપતીનાં કામને બિરદાવવાનું બન્યું.

     મને યુવાલેખકો-વિશેષ સ્ત્રીલેખિકાઓને એ રીતે વધુ આવકારવાનું ગમે છે કે એમાં કોઈ પ્રચારની સુગંધ કે દુર્ગંધ ન લઈ શકે. આપણે ત્યાં કેટલીક સરકારી/તરકારી સંસ્થાઓ પ્રચારનાં પીપૂડાં વગાડવા કલાકારો/ લેખકોને ભાડે રાખે છે અને સારા વિચારનેય બગાડી મૂકવામાં સહકાર મેળવે છે. તો બીજી બાજુ સામાજિક સુસંગત વાત કરતી કૃતિને ‘પ્રતિબદ્ધ’ લેખનનો ધપ્પો મારવામાં ઉત્સાહીઓ એ કલાને આંખે ચડાવી દે છે.

     આ બંને મર્યાદા (કે વિશેષતા)થી યામિની દૂર રહ્યાં છે, એના આનંદ સાથે આ કૃતિને આવકારું છું.

- હસમુખ બારાડી
===xx===xx===xx===xx===
    ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત એની સરૈયા પ્રેરિત નાટ્યલેખન શિબિર દરમ્યાન અને ભાવનગરની ગદ્યસભા આયોજિત એકાંકીલેખન સ્પર્ધામાં યામિની વ્યાસની એક આશાસ્પદ નાટ્યલેખિકા તરીકે ઝાંખી થયેલી. અભિનય અને પ્રસ્તુતિ સાથે એ પ્રત્યક્ષ સંકળાયેલાં હોવાથી એમનું નાટ્યલેખન ખાસ્સી મંચનસભાનતા દાખવે છે. ‘મિલીના ઘર તરફ’માં પણ સાદ્યંત મંચનક્ષમતા જણાશે.

    હોસ્પિટલનાં માહોલની આસપાસ, કિડની, ટ્રાન્સપ્લાન્ટની ઘટના નિમિત્તે સંબંધોની સંકુલતા રચતી આ રચના ફ્લેશબેકમાં સૌરભ-શુભાંગીના યુગલત્વને પણ નજાકતપૂર્વક ઉપસાવે છે. મિલીનું આદર્શીકૃત ભાવનાશીલ ચરિત્ર કૃતિનાં કેન્દ્રમાં છે. નાટકના અંતની કલ્પના અડધે જતાં થઈ શકે છે ખરી ! મોસમ (બાલિકા)નું વૃત્તાંત થોડું આગંતુક લાગે છે. પણ એકંદરે પ્રસ્તુત નાટક. આ લેખિકા હજી વૈવિધ્યપૂર્ણ નાટકો આપી શકશે એવો અણસાર પૂરો પાડવામાં સફળ રહે છે. શુભેચ્છા.

- સતીશ વ્યાસ
===xx===xx===xx===xx===
     ગુજરાતી રંગભૂમિ પર સારા લેખકોનો અભાવ પહેલેથી જ વરતાય છે. એવી પરિસ્થિતિમાં કોઈ લેખક નવી વાત લઈને આવે તો આનંદ અનુભવાય છે. આવી લાગણી યામિનીનું નાટક જોતા થઈ હતી. આવા જ નાટકો ભવિષ્યમાં પણ યામિની આપતી રહે એવી શુભેચ્છા.

- અરવિંદ જોશી
===xx===xx===xx===xx===
     જેટલા નાટકો લખાય છે એ બધાં ભજવાતાં નથી અને જે સફળ રીતે ભજવાયા છે એ બધાં છપાતાં નથી. ‘મિલીના ઘર તરફ’ એક મૌલિક નાટક છે જે સફળ રીતે ભજવાયું છે. જે પુસ્તક રૂપે આવી રહ્યું છે એ અમારા જેવા નાટ્યલેખકો માટે સાચ્ચે જ આનંદનો વિષય છે. આ માટે યામિનીબેનને ખૂબ ખૂબ અભિનંદન.

- પ્રવીણ સોલંકી
===xx===xx===xx===xx===
     યામિની વ્યાસ એટલે નાટ્યલેખિકા
     યામિની વ્યાસ એટલે કવયિત્રી
     યામિની વ્યાસ એટલે અભિનેત્રી.

     જર્મન નાટ્યકાર બર્ટોલ્ડ બ્રેખ્ત કવિ, લેખક અને નિર્દેશક પણ હતા. એમણે તો આપણને થીએટરનું અલાયદું-આગવું સ્ફૂલિંગ આપ્યું. સામાજિક નિસ્બત અને સામાન્ય માણસને લઈને આપણને અનેક નાટકો આપ્યા.

     આપણા સમયનો બીજો એક નાટ્યકાર સૌમ્ય જોશી. એ પણ કવિ છે, નિર્દેશક છે અને ધાંસુ અભિનેતા છે. એણે પણ આપણને સામાજિક નિસ્બતના નાટકો આપ્યા. સામાન્ય-ગરીબ-બેકાર મીલમજૂરની કે ઝૂપડપટ્ટીમાં રહેતા, આંખનાં તારાના સપનાં નિહાળતા કલ્પનાશીલ માણસની વાત કરી.

     નાટક ‘મિલીના ઘર તરફ’ની લેખિકા યામિની પણ મધ્યમ વર્ગ કે એથી પણ નીચલા વર્ગની હૃદયસ્પર્શી વાત લઈને આવ્યા છે. પ્રયોગખોરી કે વિશ્વસાહિત્યનાં પરિચયના દંભ વગર, આપણી માટીની વાસ્તવિકતા અસરકારક રીતે અને જકડી રાખે એવી ક્રાફ્ટ સાથે એમણે આપણને આપી છે. એમની પાસે ક્રાફ્ટ છે – નાટકની ક્રાફ્ટ, તો સાથે સાથે સંવાદોની સરળતા અને ભેદકતા પણ છે. આધુનિક સાહિત્ય કે એબ્સર્ડીટીના રવાડે ચડી પ્રેક્ષકોને પણ રવાડે ચડાવવાને બદલે પ્રામાણિકતાની સાદગીથી જકડી રાખ્યા છે. યામિની જેવી બહુમુખી પ્રતિભા આપણી રંગભૂમિ માટે ગૌરવની વાત છે.

- રાજુ બારોટ
===xx===xx===xx===xx===
     યામિનીબહેનને મારા અંતરની શુભેચ્છા.
- મધુ રાય
===xx===xx===xx===xx===
     યામિની વ્યાસ લિખિત સંવેદન અને નિર્મળ દામ્પત્યપ્રેમની અનેરી અનુભૂતિ કરાવતી પ્રેક્ષણીય અને પ્રેક્ષકપ્રિય નાટ્યકૃતિ ‘મિલીના ઘર તરફ’ના નિર્માણની સમગ્ર પ્રક્રિયા સાથે સંકળાવા ઉપરાંત ડૉ.શ્રીનિવાસનનું પાત્ર ભજવવાની તક પણ મને સાંપડી હતી. સમગ્ર નાટક મૌલિક હોવા ઉપરાંત કૌટુંબિક ભાવના તથા આજના સમયની તાતી જરૂરિયાત પુત્રીપ્રેમ તથા પિતાના નિર્વ્યાજ પ્રેમને સુપેરે ઉજાગર કરે છે. યામિની વ્યાસે કવયિત્રી હોવાના નાતે દિલના ઋજુ ભાવ હૃદયસ્પર્શી રીતે આલેખ્યા છે. યામિની વ્યાસ દ્વારા અણમોલ નાટ્યમોતી રંગમંચને મળતા રહે એ જ શુભેચ્છા.

- વસંત ઘાસવાળા


0 comments


Leave comment