1 - તમને ખબર છે ? / જગદીપ ઉપાધ્યાય


નસમહીં ખળખળ વહેતાં નિર્ઝરો સૂકાય છે; તમને ખબર છે ?
રક્તમાં વિસ્તાર રણ કેરો સતત ફેલાય છે; તમને ખબર છે ?

ઓશીકા પાસે જ જેને રાખતાં ને મૂકતાં જેમાં ફૂલો ; એ -
પુસ્તકોનાં પૃષ્ઠ ઊધઇ આજ કોરી ખાય છે; તમને ખબર છે ?

વૃક્ષ સાથેનો પરિચય આપણે દીધો જડી સનમાયકામાં;
ફાગણી અવસર સરી નિતાંત કોરો જાય છે; તમને ખબર છે ?

હોત પંખી ; વેચતાં તો કલરવો ને ભાવ લેવાને કહેતા,
"કેટલાં પીછાં ખરે ત્યારે ટહુકો થાય છે; તમને ખબર છે ?"

જ્યાં નથી મારી ખબરમાં હોય એકાદોય ગાંધીનો ઉપાસક,
નામ એનું તોય કાં ગાંધીનગર બોલાય છે; તમને ખબર છે ?

સાવ સૂક્કો છે સમય તેથી નહીં શું ખીલવાનું આપણે પણ ?
એક અમથું ફૂલ પણ વસંતનો પર્યાય છે ; તમને ખબર છે ?

'શબ્દગગન' એપ્રિલ - ૨૦૦૧


0 comments


Leave comment