2 - પાનખરની એક ડાળનું ગીત / જગદીપ ઉપાધ્યાય
લીલા ઉજાશ જોઉં પાંપણેથી ખરતાં ને કાળજામાં ઊઠે સનકારો,
ટૌકાવછોયા કંઠ બુલબુલના જોઈ મેં તો ચાંપી દીધી છે સવારો.
હણહણતો રણ હવે ઘૂઘવે છે લોહીમાં ને શ્વાસ થયા કોરાધાકોર,
શમણું ભીનાશનું અવાક્ મારું એકલું ને ચારે કોર ઊછળે છે થોર;
ફૂલોના કાફલા તો છૂટી ગયા ને થયો જીવતરનો પંથ બહુ અકારો,
લીલો ઉજાસ જોઉં પાંપણેથી ખરતાં ને કાળજામાં ઉઠે સનકારો.
તપતા સૂરજ તમે આવીને આંખમાં રેલો ઓ વૈશાખી સૂર,
ફૂલોનાં નામ તમે બાળો કે હવે મને શૂળની છે વેદના મંજૂર;
ઝંખનાઓ ફોડીને ઊભેલી શાખાઓ કરશો ના અમથો લવારો,
ટૌકાવછોયા કંઠ બુલબુલના જોઇ મેં તો ચાંપી દીધી છે સવારો.
'કવિલોક' : નવેમ્બર - ડિસેમ્બર - ૧૯૯૧
0 comments
Leave comment