3 - સાંભરણ તે ક્યાં ગયા ? / જગદીપ ઉપાધ્યાય


વૃક્ષ લીલું, હીંચકો ને બાળપણ તે ક્યાં ગયાં ? હમણા અહીંયા તો હતા !
ધૂળવંતા રાજવી ને રાજવણ તે ક્યાં ગયાં ? હમણા અહીંયા તો હતા !

કોઇ વેળા બાગમાં જઇ સાવ અમથું એક લીલું પાંદડું તોડી અને,
ફૂલને છંછેડવાના ગાંડપણ તે ક્યાં ગયાં ? હમણા અહીંયા તો હતા !

હું થતો માયુસ જ્યારે, થૈ જતા પંખી સહુ સૂનાં તમારા બાગમાં,
નીર જેવા પારદર્શક આવરણ તે ક્યાં ગયાં ? હમણા અહીંયા તો હતા !

સાદ સામે ઓટલેથી કોઇ દેતું, 'કેમ દેખાતો નથી ? દિવસો થયા',
એ ટહુકો, એ રસમ, એ સાંભરણ તે ક્યાં ગયાં ? હમણા અહીંયા તો હતા !

ના વળે અંધાર ઘેરી દીપ તેથી એક જલતો રાખવા કાજે સતત -
ગામ, શેરીમાં થતા જે જાગરણ તે ક્યાં ગયાં ? હમણા અહીંયા તો હતા !

'ઇન્દુમૌલિ' સામાયિકમાંથી
'કવિતા' : ઓગસ્ટ – ૧૯૯૭


0 comments


Leave comment