4 - ગઝલ / જગદીપ ઉપાધ્યાય
સમુદ્રની બની લહર પલાળ રણ સમું જગત અને હરેક શ્વાસને પ્રવાલ કોઇ રત્ન કર.
અસહ્ય ડંખને કરાલ કષ્ટ હો ડગે ડગે છતાં વસંત વેરવા પથે પથે પ્રયત્ન કર.
વિષણ્ણ અંધકારનો હરે વિષાદ આગિયા, હતાશ પાનખર મહીં બને નહીં પતંગિયાં,
અહીં વિફલ ન એક તું, ન રંજ ધાર લેશ તું; ન થાક તું, ન હાર તું, વધુ જરાક યત્ન કર.
વહે વ્યથા અનંતથી ન આશ રાખ અંતની ન રાહજો ફૂલો સભર લલામ કોઇ સુખની,
પ્રશાખ સંગ ઝૂલ તું, વિહંગ શો ટહુક તું, બહાર એક-બે ફૂલે મનાવી આજ જશ્ન કર.
થતું દરેક ગામ છિન્ન, રાષ્ટ્ર પણ થતું પ્રછિન્ન, ખિન્ન તે છતાં અહીં થતું ન કોઇનુંય મન?
અલિપ્ત નિજ જાતને, પ્રમત્ત સૂત્રધારને, પ્રસુપ્ત જન વિશાલને કદીક કોઇ પ્રશ્ન કર.
'નવનીત સમર્પણ' : ઓક્ટોબર – ૨૦૦૧
0 comments
Leave comment