5 - પરદેશી પ્રિયતમને જતો જોઈ રહેલી પ્રિયતમાનું ગીત / જગદીપ ઉપાધ્યાય


હય પાંખળો ધૂંધળે મારગ જાય ઊતરતો લૂણવંતી આ લાગણીઓને
આજ મેલીને આગ જૂઓ... એ... જાય રે મારા જીવનો વેરી.
ચીસજો કાબર, કાગ, સૂડાઓ, કીર ને હોલાં ચીસજો લચ્યો કેસૂડે
ચિક્કાર લૂંટીને ફાગ જુઓ... એ... જાય રે મારા જીવનો વેરી.

ધીખતા તાપે કાંઇ આડબીડ સાવ સૂકાભઠ તરસે વેરણ
ચીખતા ખારાપાટની માફક હાવલા દેતી ભોમ છાતીની જાય ચિરાતી,
પાનખરે સૌ ઝાકળે મઢ્યા ઓરતાઓને ખોઇ બેઠેલી
પીળચટ્ટેરી ડાળડાળીની વેદનાઓને હાડમાં મારાં જોઉં ફેલાતી,
લાગતું જાણે રાનમાં પીધી લીલવી કેકા સાખમાં જેની ખચ્ચ વાઢી એ
ઝૂલતા ચંદન સાગ જુઓ... એ... જાય રે મારા જીવનો વેરી.

પાય ફળીમાં મેલતાં ભેળાં પૂછશે ઘેરી થાંભલી, બારી બાર સીસમનાં;
ગોખ લીપેલા; કોણ ખૂટ્યું આ સંબધોના નામ કે અંજળ ?
આભલું જાશે સાવ વસૂકી ગાયની પેઠે; ઝૂરશે તોરણ, ચાકળા
ચીતર ભીંતની ભેળાં; એકલાં ત્યારે રેશમી છાનું પીંખવાનું છળ.
છીનવી નીંદર; આંગણે મૂકી તૂટતા દિવસ; ઉરમાં સૂના સાવ છોડીને
પ્રીતનાં ઘૂંટ્યા રાગ જૂઓ.... એ.... જાય રે મારા જીવનો વેરી..

અખંડ આનંદ : માર્ચ – ૨૦૦૧


0 comments


Leave comment