7 - ફૂલ ચીતરવા આવે.. / જગદીપ ઉપાધ્યાય


દેજો કોઇ ઢળતા નભને ઓવારે ઉતારો સાંઈ,
સંધ્યા જેવું રંગવાના આવે જ્યાં વિચારો સાંઈ.

દિશા ખુલ્લી હોય છતાંય ઊડીએ કેમ કરીને,
પાંખો ઉપર પર્વત હરભવ લખનારાને વારો સાંઈ.

રોજ પ્રતીક્ષા કરતા આખર ઝાડ બની બેઠા લીલું,
ફૂલ ચીતરવા આવે કે'જો ડાળો પર ચિતારો સાંઈ.

કાયા કેરી ગોખે ગોખે મૂકો ઝલમલ દીવાઓ,
નમણા નેહ તણાં અજવાળે ગૂંથી લઉં જન્મારો સાંઈ.

અધમધરાતે જંપી પોઠો દુનિયાના સંતાપોની,
લોહી વચ્ચે જંતર ઝીણું છેડે છે વણઝારો સાંઈ.

'ધબક' (૩૩) : માર્ચ – ૧૯૯૯


0 comments


Leave comment