8 - તરુનું ગીત / જગદીપ ઉપાધ્યાય
વાસન્તી વાયરાઓ દીધા અમૂલ એને કંચન શા મોતીડે વધાવીએ...
હાજરાહજૂર એવા લીલાછમ્મ દેવને કુમકુમના થાપા લગાવીએ...
પરકાજે પંડને નીચોવી દૈ જીવે એ જીવે કાંઈ લીલું ભરપૂર,
તૂટેલી ડાળીની આરપાર જુઓ એમાં જીવે છે વાંસળીના સૂર,
કાબર ને કીર તણા મધમીઠા ટહુકાઓ મરોડમાં વહાવીએ...
વાસન્તી વાયરાઓ દીધા અમૂલ એને કંચન શા મોતીડે વધાવીએ...
વાયુબંધ લ્હેરખીમાં ઊછળે છે ઘૂઘવતા પ્રેમતણા દરિયાઓ ઊંચા,
પર્ણોના સંઘગાન સાંભળી શકો તો એમાં સંભાળશે વેદ કેરી ઋચા,
વ્હાલપના ઘટાટોપ વૈભવ ના જાણીએ પણ હથેળી શી છાય સજાવીએ...
હાજરાહજૂર એવા લીલાછમ્મ દેવને કુમકુમના થાપા લગાવીએ...
'ગુજરાત' દિવાળી વિશેષાંક : નવેમ્બર – ૧૯૯૧
0 comments
Leave comment