9 - ઝાકળ / જગદીપ ઉપાધ્યાય


પર્ણોમાં થરથરતી ઝાકળ.
ફૂલોમાં સળવળતી ઝાકળ.

વૃક્ષોના પર્ણોની સંખ્યા,
રોજ સવારે ગણતી ઝાંકળ.

દરિયો આળખવાની હોંશે,
પરપોટા ચીતરતી ઝાકળ.

પલકારામાં થાતું લીલું,
જેને ચૂમી ભરતી ઝાકળ.

પથ્થર ઓગાળી દેવાના -
મનસૂબાઓ કરતી ઝાકળ.

ફૂલોની હિંડોળા ખાટે,
નિરાંતે હીંચકતી ઝાકળ.

'પોએટ્રી' અંક - ૮ : ઓક્ટોબર – ૧૯૯૫


0 comments


Leave comment