10 - અંતિમ નિદ્રાની પળો / જગદીપ ઉપાધ્યાય


પવન સંભળાવતો તેડા મહેકતા શબ્દ કાગળના,
બધે દીવા બળે ઝલમલ પ્રકાશિત પંથ આગળના.

દીવાલો જાય ઓગળતી અને છત જાય ફેલાતી,
નગર, શેરી, ઘરો હું ; કોઈ જ્યાં બંધન ન સાંકળનાં.

ન રોકાવા કશું કારણ, નથી અજવાળાં આઘે પણ,
કરે મન તોય સાંભળવા દિલાસા આખરી પળના.

ન માટીના, ન અગ્નિના, ન વાયુ, વ્યોમ કે જળના,
મનુષ્યો લગતા આજે ફક્ત પર્યાય ઝાકળના.

ન કંટક, તાપ કોઈ ના, અહીં સઘળે મુલાયમતા,
અમરફળથી લચેલાં જોઉં લીલાં વૃક્ષ બાવળનાં.

સફાળા દોડતા શ્વાસે ધસે લઈને મને ઝળહળ,
ચરણોમાં જોર આ કેવું ! ન આંબે અશ્વ પાછળના.

'વિશ્રામ' : દીપોત્સવી - ૧૯૯૭
ગુજરાતી કવિતાચયન : ૧૯૯૭


0 comments


Leave comment