2 - પોલિટેકનિકથી પોસ્ટકાર્ડ સુધી.../ મહેન્દ્રસિંહ પરમાર


     ...પહોંચતાં વરસોનાં વરસ લાગ્યા. ૨૦૦૨માં પહેલી વારતા ‘પોલિટેકનિક’ થઈ. ત્યારે વાર્તા લખવાની ટેકનિક વિશે કશી સભાનતા નહોતી (‘હવે છે.’ એમ કહેવાની સ્થિતિમાં પણ નથી જ !) પોલિટેકનિક કૉલેજની સામેની દીવાલમાં પડેલું બાકોરું અને અવાર-નવાર ‘કામ પતાવવા’ નીકળતી ડબલાંબધ્ધ બહેનોને જોઈને ઘણી વાર હૃદયમાં બાકોરાં પડતાં ! ભાવનગરની ભૂગોળનાં જુદાં જુદાં ‘ઠેકાણાં’, અંતરની રીતે એકબીજાથી ખાસ્સાં દૂર એવા સ્થળો (સમૂહ) શૌચનાં પ્રશ્ને ‘એક’ થઈ ગયા. દસ વરસ પછી એ ધારાની બીજી વાર્તા ‘હવે કઈ ?’ લખાઈ ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટની કચેરી પોલિટેકનિકની સામે ખડી થઈ ગયેલી ! અને વાર્તામાં નિરુપાયેલો પ્રશ્ન તો ખાસ્સો ‘ચગી’ ગયેલો ! વિદ્યા બાલનને શૌચાલય સુવિધા માટે ‘અવેરનેસ ઍડ’માં જોઈને, ઘરમાં શૌચાલય નહીં તો ઉમેદવારી નહીંની સરકારી જાહેરાતો જોઈને લેખક મનમાં ઘણું ફૂલાયેલો, એનાં ક્રાન્તદર્શન (?) માટે ! હાથ લાધી ગયેલા વિષયને ફરી-ફરી ‘વાપરી’ લેવાના વ્યોમોહમાં નહીં, collective experience ને Individual experienceમાં સામૂહિક અનુભવને વૈયક્તિક અનુભવમાં નાણી જોવા અને Issue -(પ્રશ્ન)ને હજુ યે આપણાં સામાજિક ઢાંચામાં અકબંધ ઊભો જોઈને એક જ વિષયની ત્રણ વાર્તાઓ એમ થઈ ગઈ ! હજી, વધુ થાય તો થવા દઈશું ! ‘પોલિટેકનિક’ આપણાં એક સમાયિકનાં તંત્રીએ નાપાસ કરેલી. ‘વાર્તા’ નથી બનતી એમ કહીને. એમનો જવાબ આવે તે પહેલા મારા મોટાભાઈ, મિત્ર અને માર્ગદર્શક અશોકસિંહ પરમારને મોકલેલી. એ સીધી આપી આવ્યા હર્ષદ ત્રિવેદીને. ‘શબ્દસૃષ્ટિ’માં એ પ્રગટ થઈ. પછી ડંકેશભાઈને કારણે ઘણાં વાચકોનું ધ્યાન ગયેલું. એમનો પ્રતિભાવ પછીના અંકમાં સંપાદકે છાપેલો. લા.ઠા. નો પત્ર પણ સચવાયો છે. વિવેચનનું ધ્યાન એના ઉપર દસ-બાર વર્ષે પડ્યું. એ વરસનાં ‘નવલિકાચયન’માં (૨૦૦૨) હિમાંશી શેલતે એને સ્થાન આપેલું. લખાયેલી વાર્તાના મળવા જોઈએ તેવા તત્કાલ પ્રતિભાવ ‘ગદ્યસભા’ અને ‘સુ.જો. સા.ફો.’ની ચર્ચાઓમાં મળે. પછી પ્રગટ થતી વાર્તાઓ વિશે લખનારને મળવો ઘટતો ભાવક-પ્રતિભાવ આટલો વિલંબિત કે નિલંબિત કેમ ? ‘ફેસબુક’ કે અન્ય માધ્યમોમાં નવલેખકોને મળતા તત્કાળ પ્રતિભાવને જોઈને ઈર્ષ્યા થાય – પણ એમાં કૃતિ તરતી કરવાનું મન ન થાય !

      ગોધરા-બનાવ પછી ‘ઈન્ટેલેકચ્યુઅલ ઈન્દુભાઈ’ લખાઈ. ‘નવનીત સમર્પણ’માં એ પ્રગટ થઈ. પ્રથમ પુરુષ એકવચનની કથા ત્રીજા પુરુષમાં લખવાની યુક્તિ કરી હતી. પ્રચ્છન્ન કથક પ્રથમ પુરુષમાં વાત કરતો હતો તે વાર્તાના અંતે એના કથકના Total variationથી સંકેતિત કર્યું હતું. વાર્તા એનાં વિષયને કારણે જ વધુ વંચાઈ. ચર્ચાઈ. ‘ઈસ કી મા કા...’ માં બીજા પુરુષનું કથનકેન્દ્ર પ્રથમ પુરુષની સાથે ગૂંથવાનો પ્રયત્ન કર્યો. ભરત નાયકે નવલિકાચયન – ૨૦૦૪માં એને વિશે વાત કરી. ‘ખેવના’માં એ પ્રગટ થઈ હતી.

      ‘આઈ.એસ.આઈ.નો હાથ’ ‘જલારામદીપ’માં પ્રગટ થયેલી ! દિવાળીઅંકમાં. નવાં રચાતાં અર્થશાસ્ત્રને ધર્મસત્તાની પડછે જોવાનું એમાં બનેલું. અજિત ઠાકોરની ‘ખીજડિયાદાદા’ પ્રગટ થઈ ત્યારે વાર્તાકાર મનમાં બબડેલો : ‘આમ વાર્તા લખાય !’

      વાર્તા લખવામાં સુ.જો.સા.ફો.ની મજેદાર મહેફિલ એક કારક બની તે ‘હજુ નક્કી નથી’ વાર્તા. ‘રાતોરાત’ બીજે દિવસે વાંચવા માટે લખી નાખી. પ્રત્યક્ષ વાર્તાલેખનની કસોટી એમાં હતી. ભાવન-વિભાવનના પ્રશ્નો તો હતા જ. હોય જ. પણ વાર્તા વિશેની ચર્ચાઓમાંથી ત્રુટિત રૂપમાં વાર્તાનું ‘સંધાન’ ઈચ્છેલું. ‘મહેફિલ ફેસાનેગુયાન’નો મામલો મનમાં હતો. ‘દ્વિરેફ’ની એ બહુ જ મહત્વાકાંક્ષી યોજના લાગેલી. ‘તથાપિ’માં પ્રગટ થઈ ખાસ એને કોઈએ વટાવી નહીં ! હમણાં ૨૦૧૫ માં ‘તથાપિ’એ એક સાથે બે વાર્તાઓ છાપી. ‘એમ.પી. અજમેરા’ અને ‘પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા’? પોસ્ટકાર્ડ અને બ્લોગની સહોપસ્થિતિ અને કથનરંગના વૈવિધ્યો ફરી એક વાર કસી જોવાનો મોકો મળ્યો. ‘પોસ્ટમોડર્ન’ સમયમાં પોસ્ટકાર્ડ નામની વિલુપ્ત થતી પ્રજાતિ અને પ્રત્યાયનવિહીન ‘સંચાર’ની કરુણતા એમાં અભિપ્રેત છે. સ્થળ- સમયને ઓળંગી જઈ સ્થળ-સમયમાં રહેવાની મથામણ પણ ખરી. હ્રસ્વ થતી જતી ભાષા અને દીર્ઘાયા કરતી સંવેદનાની અથડામણ પણ એમાં કદાચ વંચાશે. ટેકનિકની મથામણ પણ.

     ગણીને દસ વાર્તાઓ વિશે આમ આત્મપ્રસ્તુતિ કરવાનું સાહસ કર્યું. એમાં ક્યાંક અહંકાર કળાય તો ક્ષમ્ય ! ત્રણ વાર્તાઓ આ સંચયમાં નથી મૂકી. એનાં કારણો પણ નથી મૂકવાં.

      આ સંચય અશોકસિંહ પરમાર અને હર્ષદ ત્રિવેદીને વિનમ્રભાવે અર્પણ.

      ‘ગદ્યસભા’માં બધી અને ‘સુ.જો.સા.ફો.’માં કેટલીક વાર્તાઓ વાંચી. એ વેળાના સહુ રંગીન શ્રોતાઓનો આભાર. સામયિકોનાં તંત્રીઓનો પણ એટલો આભાર. માય ડિયર જયુ અને અવનીન્દ્ર ગોહેલનો આભાર. આ વાર્તાઓ તાજેતાજી સાંભળનાર શ્રોતાઓનો આભાર.

      પંદરેક વરસના ગાળામાં લખાયેલી દસ વાર્તાઓ મોડી-મોડી પણ સંચયરૂપે આપના હાથમાં આવશે એ વાતનો આનંદ.

-મહેન્દ્રસિંહ પરમાર
૨૦, ગૌરીશંકર સોસાયટી,
જ્વેલ્સ સર્કલ પાસે, ભાવનગર
mahendrashinhp21@gmail.com
તા. ૪/૨/૧૬


0 comments


Leave comment