2 - હવે કઈ પોલિટેકનિક ? / મહેન્દ્રસિંહ પરમાર


    ...તે દુ’ની ઘડી ને આજનો દિ’. પાંચ-પાંચ વરસ સુધી ડેલાની બાયુંનો ‘પ્રોગ્રામ’ એકદમ ‘વ્યવસ્થિક !’ નવ વાગે ‘કેસ્ટ્રોલ સુપર ટી.ટી’, ‘ધારા’ ને એવી ભાતેભાતની કંપનીયું જાહેરાત જાણે કરવાની હોય એમ પાણી ભરીભરીને બાયું નીકળી જતી. કેટલીકે ડબલાંને બાંધવાની દોરી ને વાયરમાં શણગાર કરેલા ! ચોટલામાં બે ય બાજુ એક-એક લટ વણી હોય એમ દોરી શણગારી હોય. લાઈટના વાયરની ફૂલગાંઠ મારી હોય. મારુતિના ચારે બારણે હેન્ડલ પર રિબનની ફૂલગાંઠ હોય છે તે બાયુંએ બેઠાં-બેઠાં જોઈ હોય, તે એમનાં આ હેન્ડલ પર ! સલામતી અને નિશ્ચિંતતા કળાનિર્માણની જનેતા હોવી જોઈએ ! એ વખતે પોતાનાં બાવડાંનાં બળે પાડેલું બાકોરું જોઈને એક પ્રકારની હિમ્મત આવી જતી બાયુંને. પાંચ વરસમાં ગુજરાતી ફિલ્મનું સ્થાન ટીવી સીરીયલોએ લઈ લીધેલું. ‘પવિત્ર રિશ્તા’ ને ‘બાલિકા વધુ’ની ચર્ચા ચાલતી હોય ને ભેગું અગત્યનું ‘કામ’ પણ. ડેલામાં ટીવી આવી ગયેલા. બાયુંએ રાતના ‘એ’ ચોરા ઉપર ‘બેઠાં’ ક્યારેક ટીખળ પણ કરી હોય. ટીવી આવ્યાં. જોવાનાં ડબલાં આવ્યાં પણ ‘જાવા’નાં તો આ પોલિટેકનિકનાં જ ! રમણની વહુને ડેલામાં પરણીને આવતાં વેંત થયેલી સવારમાં જવાની તકલીફ ઠેકાણે પડી ગયેલી. રાતનું સમયપત્રક એનેય માફક આવી ગયેલું. જાણે પોલિટેકનિક જ હવે કાયમી આશરો હોય એટલી નફીકરાઈથી બાયું, બાપની જાગીર હોય એમ વટ્ટથી આવતી. ઠલવાઈને, પાણીનાં ચકરડાં કરીને ડેલાભેગી. એટલે સમજોને, ગોઠવાઈ ગયેલું બધું. એટલું બધું સારી રીતે, કે ઉપરવાળાનો ઉપકાર માનવાનુંય બાયું ભૂલી ગયેલી.

    પણ ધણીનો કોઈ ધણી ખરો ?
    ધણીનો ધણી કલેક્ટર. એ બાયું નો’તી જાણતી. રોજિંદાક્રમે એક રાતે સંઘ આખો ડબલાસોતો આવ્યો પોલિટેકનિક. ત્યાં હુલ્લડખોરોને કાબૂમાં લેવાનાં હોય એમ બંધુકધારીઓની પલટણ કલેક્ટરે ખડી કરી દીધેલી. બાકોરાંવાળી દીવાલ તો કન્ટ્રાટીના કન્ટ્રાટની ગેરંટીને કારણે અમથીએ જાહલ થઈ ગ્યેલી.એને આખી પાડી દીધેલી ને તારફેન્સિંગ સળંગ ઊભી થઈ ગયેલી.

    તારની ઓલીકોર બંધુકવાળી ફોજ અને આનીકોર પાણીનાં ડબલાં લઈને બાયું. બાયુંએ જોયું તો રાતોરાત પ્લીન્થ સુધીનું મકાન ઊભું થઈ ગયેલું. લશ્કરના મેજર જેવા એક મુચ્છડે બાયુંની ઉપરી મેજર સમજુડોશીને સમજાવ્યું : ‘માજી, આ જગ્યાએ હવે નહીં આવતા. કલેક્ટર કચેરીનું મકાન બનાવવાનું છે. ૨૬મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરવા ખુદ સી.એમ. સાહેબ આવવાના છે. કલેક્ટરસાહેબનો હુકમ છે. કોઈને આવવા દેવાના નથી.’

     કાપો તો શું નીકળે એ ય નક્કી ન કરી શકાય એવી હાલત થઈ બાયુંની. મુચ્છડે વળી એમાં કરંટ ઉમેર્યો : ‘આ તારમાં ઈલેક્ટ્રીક કરંટ રાખ્યો છે. જે અડે એને શોટ લાગશે.’ બાયુંને તો વગર અડ્યે કરંટ લાગ્યો. એક તો ઓલો ‘રાતની ટેવ’ વાળો કરંટ ને બીજો બાકી હતો તે આ ‘બા’રનો. તારનો ! બાયું આલહવિલહ થઈ ગઈ. સૂંડો એક ગાળ્યું એમનમ ગળામાં અટવાઈ ગઈ. સમજુ ડોશી શું કે’ છે તે જોવા બધીય આશાભરી આંખે એમનાં તરફ ટાંપી રહી. સમજુ ડોશી ઘડીક મૂંઝાણાં. પ્રશ્ન પહેલો તો ‘તાત્કાલિક’ વ્યવસ્થાનો હતો. શું કરવું, શું નહીં-ની અવઢવમાં એમણે નિર્ણય જાહેર કર્યો :

    ‘આજની રાત તો આ તારની બહાર. હાલો બધીયું. કોઈએ મૂંઝાવાનું નથી. -મારી વાંહેવાંહે વઈ આવો બધી’. આખી ‘ડબલાકૂચ’ ફરતી તારની હદની બીજી કોર પહોંચી. રસ્તો ફૂલટ્રાફીકવાળો હતો તોય સમજુ ડોશીના હુકમ પ્રમાણે ‘પંગત’ પડી ગઈ. આવતાં-જતાં સ્કુટર-મોટરની લાઈટનાં શેરડા અંધકારમાં આ પંગતને લબુક-ઝબુક અજવાળતા રહ્યા. ‘આ પીટ્યાવને લોનું આપે સ તે ગામમાં નકરી ગાડિયું-ગાડિયું થઈ ગઈસ’. શરમની મારી બાયું આ વખતે ય નીચું જોઈને ‘પતાવવાની’ વેતરણમાં હતી. પણ લાઈટું એટલી બધી ફેંકાવા લાગી કે નાછૂટકે... એક જણીને સૂઝ્યું તે એણે મોઢું ઢાંકવા ચણિયાની મદદ લીધી. બધીય બાયુંને એ રસ્તો ઠીક લાગ્યો. લાજ કાઢવાની આ નવી રીત બાપગોતરમાં બાયુંએ વિચારેલી નહીં. અદના કલેક્ટરની ગધના નેતાઓને સરસ્વતી સંભળાવતી બાયુંએ માંડ પતાવ્યું. આજે તો પાણીના કુંડાળા પેટમાં જ એટલાં પડ્યાં હતાં કે વધારાની કલાકારીગીરી કરવાની કોઈનામાં ત્રેવડ જ રહી નહોતી. હવે બાયું બિચારી શું કરે ? ક્યાં...

    તે રાતનું તો જેમ-તેમ કરીને પત્યું, પણ બાયું ફુંગરાઈ ગયેલી. ‘કાંક કરી નાખવા’ ફૂંફાડા મારી રહેલી. સૌથી વધુ રમણની વહુએ ફૂંફાડા માર્યા. એણે સમજુ ડોશીને પડકાર ફેંક્યો : ‘આનું કાંક કરો. અને તમારાથી કાંઈ થાય એવું નો હોય તો મને કો’. હું કાં’ક કરું. મારાથી હવે આમ ઝાઝું નહીં ઝીરવાય’. બધી બાયુંએ ખાસ કરીને જુવાન વહુ-દીકરીયુંએ રીતસરનો બળવો કરવા જેવું કર્યું. ‘હા, સમજુમા, હવે આ હલાવી નહીં લેવાય.’ સમજુ ડોશીએ સહુને સમજાવીને પેલા તો ડેલાભેળી કરી. ડેલાની પરસાળમાં પંચાયત ભરાણી. સવારમાં કલેક્ટરને પકડવાનું વોરંટ જાહેર થયું. ઘેરાવ અને બીજાં આવડે એવાં-બાયુંને ખબર પણ નો’તી કે આને ગાંધીચીંધ્યા કે’વાય, એવાં પગલાં ભરવાનો નિર્ણય થયો.

    બીજે દિવસે ઊઘડતી ઓફિસે બાયુંનું લશ્કર કલેક્ટરની કચેરીએ. ‘ક્યાં સે તમારો સાયબ ?’ સાહેબ તો ‘આયોજન’ની મીટિંગમાં ગાંધીનગર ગયેલા. બે કલાકનું તપ હતું. ‘સાહેબ નીકળી ગયા છે. સાહેબ રસ્તામાં છે. સાહેબ આવવામાં જ છે.’ બે ને બદલે કલાક થયા ચાર. કંયે કલેક્ટર આવે ને કંયે એનાં લૂગડાં ઊતારી લ’ઈં- એવા ભાવ સાથે સમસમતી બાયું કલેક્ટરની લાલબત્તીવાળી ગાડી આવે એની વાટ જોતો બેઠી રહી... દૂરથી લબૂક-ઝબૂક કરતી ગાડી ભાળી ગયાં સમજુડોશી.

    ‘જો આવે ધણીમૂઓ ! હાલો અલીયું. બધીયું લાંબી થઈને હૂઈ જાવ રોડ માથે !’ સડસડાટ બાયું ટપોટપ, જાણે લાશુંની લાઈન કરી હોય એમ આડી પડી ગઈ. સાહેબની ગાડીએ ઘણાં હોર્ન માર્યા પણ કોઈ હલે કે ચલે ! સાહેબનો ગાર્ડ નીચે ઊતરીને તપાસ કરવા આવ્યો ને બાયુંને જોઈને તરત પાછો વળ્યો. કલેક્ટર પોતે નીચે ઊતર્યા. ગાડીની સાવ સમે પેલવેલાં જ સમજુડોશી. નેતા કોને કે’વાય ?

    ‘શું છે બહેનો ? કેમ આમ રસ્તો ટોકો છો ? ખબર નથી પડતી ? એકએકને જેલભેળાં કરીશ.’

    -સડાકલેરાના સમજુડોશી બેઠાં થ્યાં, ઊભાં થઈ ધૂળ ખંખેરી :-‘તારે હવે અમારું કરવાનુંસ હું ઈ ક્યે !’-
    ડોશીએ માંડીને કરી વાત.
    ‘અમારે હવે જાવું ક્યાં ઈ નકી કર્ય !’

    કલેક્ટર સમજ્યા. મૂંઝાણા. ૨૬મીના કાર્યક્રમની ‘ભવ્ય’ તડામાર તૈયારીનાં મોટાં બણગાં હજી સવારમાં જ ‘આયોજન’ની મીટિંગમાં મારી આવ્યા હતા ! અને આ આવતાંવેંત શું અપશકન થયા ? એમને ય સ્હેજ દબાણ જેવું થયું. સવારમાં ચાર વાગ્યામાં નીકળેલા અને ગાંધીનગરનાં દબાણમાં હતા એટલે જવાયું નો’તું. ઓફિસમાં જઈ, હળવા થઈ, ફ્લશ મારી પ્રશ્ન ઉકેલવાનું મન તો ઘણું થયું પણ રણચંડીઓનાં ‘તેવર’ જોઇને એમણે એ વિચાર પર જ ફ્લશ મારી દીધો. કલેક્ટર થયા ને પેલ્લું જ પોસ્ટિન્ગ હતું. દહેરાદૂનમાં ટ્રેઈનિંગ લેવા ગયા ત્યારે ‘આવો’ પ્રશ્ન આવે તો શું કરવું એની કોઈ તાલીમ આપી નહોતી. પણ આપાતકાલીન પરિસ્થિતિમાંથી તત્કાળ રસ્તો કાઢવાની કોઠાસૂઝને કારણે તો પોતે કલેક્ટર થયા હતા. વિચારીને એમણે વચલો રસ્તો કાઢ્યો :

    ‘બહેનો, હું તમારા ડેલા સામે આજે ને આજ મોબાઈલ મૂકાવી દઉં તો ?’
    - કાન દઈને સાંભળતી લાશોમાં અંદરોઅંદર ‘મોબાઈલ... મોબાઈલ’નો ગણગણાટ થયો. ને અમથી ડોશી ફટ્ટ બેઠાં થ્યાં !

    - મોબાઈલ તો મારા પોતરા પાહે હોત સે... એને હું ધોઈ પીવો ? બધી બાયુંએ હોંકારો પૂર્યો. ‘હાં, હાં... અમથીમા હાચું કે’ છે ! મોબાઈલ તો અમારી આગળ હોત સે !’ ગણગણાટ ઘોંઘાટમાં ફેરવાતો જોઈને કલેક્ટર ઊંચે સાદે બોલ્યા : ‘અરે મારી મા, હું એ મોબાઈલની વાત નથી કરતો. આ તો પૈડાં ઉપર ફેરવી શકાય ને વીસ જણાં એક સાથે જઈ શકે એવા હરતાં-ફરતાં ‘શૌચાલયરથ’ની વાત કરું છું. તમે એક વાર હા પાડો એટલે પત્યું. પછી કોઈને કશો પ્રોબ્લેમ નહીં રહે !’

    - બાયુંને ઘડીક મૂંઝવણ થઈ. શૌચાલય ? રથ એટલે વળી હું?’ અંદરોઅંદર ઊંચાનીચી થાવા લાગી. રમણની વહુને આખી વાતનો ખ્યાલ આવી ગયો. પોલિસની ભરતી થયેલી ત્યારે ડેલાના છોકરાવને ભરતીમાં ધરાર એ લઈ ગયેલી, કૉલેજ ગ્રાઉન્ડમાં, ન્યાં એણે આવું હારબંધ ઓરડીવાળું ભાળેલું – ‘અનુભવ’ લેવા છાનીમાની એના ઊંચા દાદરા ચડી ફફડતી ‘જઈ’ આવેલી. ગમી ગયેલું એને. ‘માળું, આ હારુસ ! ‘સુલભ’ જેવું નથી.’ ઇષ્ટાપડી પણ બધી ‘વ્યવસ્થિક’ હતી ને નીકળીને પાછાં હાથ ધોવાની ગેંડી હોત ! સાબુભેગી ! એણે ‘લાભ’ લીધો’તો તે યાદ આવ્યું. ‘હા, ઈવડું ઈ કાંય ખોટું નહીં !’

    અમથીકાકી, સાહેબ ક્યે સે ઈ મેં ભાળ્યું છે. એવું થાતું હોય તો આપણે એયને ઘરઆંગણે... પછી તો રાત પડવાની વાટે ય નોં જોવી પડે !’ રમણની વહુએ આખી વ્યવસ્થા અમથીડોશીને કાનમાં સમજાવી, અમથીમાએ સમજુડોશીને આખી વ્યવસ્થા સાનમાં સમજાવી. સમજુડોશીને સમજાણું ! : ‘નો મામા કરતાં કાણોમામો હું ખોટો ?’ – હકારમાં ડોકું ધુણાવીને સમજુમાએ કલેક્ટરને પરખાવ્યું : ‘ભલે, રમણની વહુ કે સે તો કાંક હાટુ જ હશે. પણ અટાણે જ ઈ પૈડાવાળું તું મૂકાવ તો જ હા. નકર ના ! નકર પસી અમારે તારા મોટાસાયબ આવે ત્યારે ઈમના હામું જ ડબલાં લઈ બેસવાનો વારો આવશે. પસી કે’તા નં’ઈ કે કિધું નો’તું’.

    કલેક્ટર ‘એ’ દ્રશ્યની કલ્પના માત્રથી ગભરાયા. ‘ડબલાપલટણ મારી બદલી ડાંગમાં કરાવશે.’ – એવાં ગભરાટમાત્રથી એમણે તાત્કાલિક મોબાઈલ જોડ્યો સેનેટરી ઈન્સપેક્ટરને : નવાપરા ડેલા માટે’મોબાઈલ’ મોકલો. અરજન્ટ !’

    બાયું મોબાઈલની વાટ જોતી અત્યારે જ જવાની તૈયારીમાં હોય એવી પોજિશનમાં ઉભડક બેઠી. થોડીવારમાં તો મોબાઈલ રથ હાજર ! ડેલાની સામે તૈયાર. કલેક્ટરે ‘ટેસ્ટ’ લેવા મેજર સમજુમાને કિધું. સમજુમાને એમના સૈનિકોમાં ઈચ્છાત્યાગધારી બે-ત્રણ બાયુંની ખબર હતી. નેતાજીના એક ઈશારે પટપટપટ દાદરા ચડી ગઈ. મરકતી-હસતી પછી ઊતરી ! : ‘માળું સે તો હારું હોં !’

    કલેક્ટરે આશાભરી મીટ માંડી. સમજુડોશી સામે. સમજુડોશીએ બાયું ભણી નજર નાંખી. બાયુ એ નજરથી ‘હા’ કહી એટલે સમજુડોશીએ ડોકું ધુણાવ્યું. એટલે કલેક્ટરને સુનામી ટળ્યા જેટલી રાહત. સાહેબ તકતીનો પથરો ઉઘાડો કરી જાય એટલે ગંગાના’યા !’

    ૨૬મીના કાર્યક્રમમાં પછી તો ડેલાની કુંવાર્યકાયુંને જ સાહેબે તૈયાર કરી. પોલિટેકનિકવાળા મેદાનમાં ‘કલેક્ટર કચેરી’ લખેલા સ્ટીલના અક્ષર – મોટામોટા-તડકામાં ચળકવા લાગ્યા. સાહેબના સાહેબ આવ્યા, બાયું–બેનડિયુંએ ફૂલે વધાવ્યા. રિમોટ કંટ્રોલથી સાહેબે આઘે ઊભા ઊભા જ પરદો ઊંચક્યો ! બાયું અચંબિત. કલેક્ટર ભયમુક્ત ! એયને રંચેચંગે ઉત્સવ ઉજવાયો ! આટલો ઉજમ તો ડેલામાં લગ્નપ્રસંગે ય નોટો દીઠો બાયુંએ !

    પછી તો રથના દાદરા ચડીને ઠાઠમાઠથી ડબલું લીધા વગર જવાની ટેવ બાયુંએ પાડી દીધી. સૌથી વધુ જલસો રમણની વહુને પડ્યો. એયને હવે સવારમાં જઈ આવવાનું ! કોઈની સાડાબારી જ નહીંને ! ત્રીજે દિવસે સવારમાં ગઈ રમણની વહુ. બેઠાં-બેઠાં એને પાંચ વરસ પેલાનો ‘સુલભ’વાળો અનુભવ યાદ આવ્યો. પાણીનો નળ ચાલું કર્યો ‘પતાવી’ને તો કોઈ મશ્કરી કરતું હોય એવો ફુરર્... ફસ્સ.સ. ફૂસ્સ...સ’ – અવાજ ! નળમાંથી પાણીને બદલે સિસકારા, રમણની વહુના મોઢામાંથી નીકળતા હાયકારાને ઢાંકી દેતા હતા ! ‘વૈદર્ભી વનમાં વલવલે !’ જે થઈ છે રમણની વહુની !

    ‘ડેપુટેશન’ પાછું કલેક્ટર આગળ. કલેક્ટરે કટાણે મોંએ મોબાઈલમાં પાણી ભરવાનો ‘ઓડર’ કર્યો. ટેન્કર આવીને રથનો ટાંકો ભરી જાય. હાલ્યું. પણ બે ત્રણ દિ’એ રમણની વહુવાળું બીજી બાયું હાર્યે પણ થ્યું ! ફુસફુસાતી બાયુંએ વળી કચેરીની કૂચ કરી. (હવે પંદર ઓગસ્ટને તો ઘણી વાર ! એટલે), કલેક્ટરે ઉદ્ધતાઈથી જવાબ આપ્યા ‘તમારાથી થાય તે કરી લો-એવું કીધા વિના જ બાયું એ જબાન સમજી ગઈ ‘મારો પીટ્યો ! કેવો નફટ છે ! ગડગડતી ગ્યેલી બાયુ છાનીમાની પાછી વળી ને કલેક્ટરે સેનેટરી ઈન્સપેક્ટરને ફોન જોડ્યો. ‘નવાપરાનો મોબાઈલ ખીજડાવાળી શે’રીમાં ફેરવી નાખો. ત્યાંની ડિમાન્ડ વધુ ‘જેન્યુઈન’ છે.’

    સવારમાં ડેલાની બાયું જઈને જુએ છે તો રથ ગૂમ ! સેનેટરી ઈન્સપેક્ટરે હુકમની અમલવારી આબાદ કરેલી. રથવાળી જગ્યાએ ડેલાના કૂતરાંને પોલિટેકનિક કરવાનો ભારી લાગ મળી ગ્યો. ‘હાળાંવ, અમારો મેળ વિખાઈ ગ્યોસ ને તમને ન્યાં જ જગ્યા મળી ! પાણાં લઈને કૂતરાંને ભગાડ્યાં. સમજુ ડોશી સમસમે ને અમથીમાં આકળવિકળ. રથવાળી જગ્યા પાસે જ આખા ડેલાંની બાયુંનાં ઓલાં શણગારેલાં ડબલાંનો ઢગલો પડેલો. કોઈએ કાંઈ સૂચના નો’તી આપી તો ય કોઠાડા’ઈ બાયુંએ કોઠો ઠાલવવાનો આખરી ઉપાય એ ડબલાં જ હોય એમ સમજી લીધું ને છોકરું તેડતાં હોય એમ મમતથી એ લઈ લીધા. કઈ દિશાએ જવાનું છે એની કશી ગતાગમ નથી. ‘ખબર છે એટલી કે...’

    ...બબડતી, ગાળ્યું ભાંડતી, રમણે ચડેલી બાયું હજી આથડી રહી છે. બધી દિશાઓ ટૂંપાઈ ગઈ છે ને સળ સૂઝતી નથી. રમણની વહુનું આત્મસન્માન પાણી વિનાના નળ જેવું ફૂંફવી રહેલું. પાંચ વરસ પે’લાં એની સાસુહાર્યે થયેલા સવાલ-જવાબ હજી એના મનમાં ઘૂમરાઈ રહ્યા હતા : ‘સવારમાં જવું હોય તો શું કરવાનું ?’.... તો પિયર વયાં જાવું...,

    ‘મારાં બા-બાપુ નો હું વાંક ?’ હાલતી જાય. ડબલાંની ગૂંથેલી દોરી ઉપર માળા ફેરવતી હોય એમ આંગળીઓ ફેરવતી જાય ને ‘દબાણ’ ઝીરવતી વિચારતી જાય : ‘મૂઓ ધણી ને, મૂઈ મારી સાસુ, મૂઈ બાયું ને મૂઓ આ ડેલો. છેડાછૂટા જ કરાવી લઉં !’

    - ઘડીક મનમાં થયું પણ પછી આંખ સામે અંધારાં આવવા સિવાય બીજું કાંઈ દેખાણું નહીં એટલે સમસમીને ઊભે રસ્તે. ઊઘડી આંખે, વિચાર-વિચાર કરીને એણે જ પોલિટેકનિકું ઘડી એમાંથી એકે ય ઊભી થઈ કે નં’ઈ એની ખબર તો ઉપરવાળા ધણીને ય નથી ! તો મને તો ક્યાંથી હોય ? હેં !

(‘જલારામદીપ’, ૨૦૧૨)


0 comments


Leave comment