3 - શબ્દે શબ્દે તું... – નિવેદન / તારો અવાજ / હર્ષદ ત્રિવેદી


    ગયે વર્ષે ગીતોમાં રમમાણ રહ્યો. એ ગીતોની રચનાક્ષણોએ જ મારી સામે ઉઘાડ્યું એક બીજું વ્યક્તિત્વ, જે ક્યારેક મારાથી ભિન્ન લાગ્યું, મારી અંદરનું લાગ્યું તો ક્યારેક મારી સામેનું પણ લાગ્યું ! અને ઓળખવા – પામવાની સતત મથામણ ચાલતી રહી ને રચાયો એક અનુબંધ. પછી તો જીવાતા જીવનની ક્ષણે ક્ષણનો ધબકાર એની સાથે તાલ મેળવતો રહ્યો. ક્યારેક એમાં અંતરાય પણ આવ્યો. હું સતત જોડાતો રહ્યો ને સતત તૂટતો રહ્યો. અંદર-બહાર બનતી નાની-મોટી ઘટનાઓએ શરણું લીધું કવિતાનું. એક અર્થમાં આ સંવાદ છે ને બીજા અર્થમાં સાદ પણ છે. વિવાદના મૂળમાં પણ પ્રેમ છે. એથી જ કદાચ આ કાવ્યોનું સ્વરૂપ આપોઆપ ઘડાતું રહ્યું. મને પણ મારો નવો પરિચય !

    આદરણીય સુરેશ દલાલે આમાંનાં મોટાભાગનાં કાવ્યો ‘કવિતા’ ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૦૨ દીપોત્સવી અંકમાં પ્રગટ કર્યા ને મારા પ્રત્યે રાજી થઈને બે શબ્દો પાડ્યા, એમનું ઋણ સ્વીકારું છું.

    ગઝલદાદુ મનહર મોદીએ મારી શરતે ને મારા મનની મોજે આ સંગ્રહ થાય એમાં ઉમળકો દાખવ્યો. હંમેશ તો હંમેશ કશુંક માગ્યા કરતો હતો. પિતા-પુત્ર બંને પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં સાચે જ આનંદ થાય છે. ચંદ્રિકા પ્રિન્ટરીએ તરત ને આટલી સુંદર રીતે આ સંગ્રહ તૈયાર કર્યો એ માટે એમનો પણ આભાર માનું છું. આશા છે કે મારી કવિતાના પ્રિયજનોને આ કાવ્યો પણ આનંદ આપશે.

૨૫-૦૨-૨૦૦૩
હર્ષદ ત્રિવેદી


0 comments


Leave comment