8 - ઝળહળ ખળખળ / હર્ષદ ત્રિવેદી


પાણીમાં ઝબોળાય
એમ પગ લંબાવી બેઠો છું
નદી કશુંક ગાય છે ધીમે અવાજે
છપાક્ છપાક્.
એનું ગાન સમજવા
કાન સરવા કરું છું

હમણાં લગી
ચન્દ્ર આછો હતો
એકાએક એનો ઉજમાળો ચહેરો હસી ઊઠ્યો !

પંખીઓ
કલરવ ઉડાડતા
પોતપોતાના માળા ભણી
વીંઝી રહ્યાં છે પાંખ.

સામે તીરેથી
એક હોડી સરકી રહી છે
આ તરફ
એમાં તું તો નહીં હોય ?
ના, તું તો ક્યાંથી હોય !

એ તરફથી
નજર હટાવી ઠેરવું છું પગ ઉપર
પ્રવાહમાં તણાતું આવેલું
એક પાન બે પગ વચ્ચે અટવાય છે.

બંને પગ ભેગા કરી
એને લેવાનો પ્રયત્ન કરું છું
પણ, એ તો હળવે રહીને સરકી ગયું
વીતેલા સમયની જેમ !

નદીનું છપાક્ રોકે છે મને.
જોઉં છું :
દૂરથી તરતો તરતો
આવી રહ્યો છે એક દીવડો !
ભીતર બધું ઝળહળ !
ઝળહળ ખળખળ
ખળઝળ હળખળ !


0 comments


Leave comment