10 - આંદોલન / હર્ષદ ત્રિવેદી
બચપણમાં
મંદિરની ઝાલર વગાડતી વખતે
ક્યારેક થીજી જતો
લાકડાની હથોડીવાળો હાથ
ને
હું ખોવાઇ જતો અનુરણનમાં.
આજે કામાતુર બનીને
ધસી આવું છું આવેગથી
તારા ઉપર
ત્યારે ચંદ્રના ડંકાને
ખરતા તારોડિયાથી
આંદોલિત કરતો હોઉં એવું લાગે છે !
મને ખબર નથી પડતી
તું બજી ઊઠી છે કે સજી ઊઠી છે
અને હું
માદક - મીઠી - આછી સુગંધ થઈ
પ્રસરી રહું છું એક આંદોલનની માફક
તારા અણુએ અણુમાં !
0 comments
Leave comment