12 - શ્રધ્ધા / હર્ષદ ત્રિવેદી


તને જ્યારે
લોકો કહેશે વૃદ્ધા,
ત્યારે પણ
તારામાં ટકી હશે મારી શ્રધ્ધા.

માત્ર શરીરથી મેં તને ચાહી નથી,
સત્ય તો એ ય છે કે
વિના શરીર પણ નથી ચાહી.
ચાહવાની ક્ષણોનો
ગુણાકાર કરતાં કરતાં
ક્યારે શરીર થાય મંદિર
કે મંદિર થઈ જાય શરીર
એની રહેતી નથી સરત.

બંને બાજુ લટકતા
ઘંટને સ્પર્શતા પહેલાં જ
સાંભળી રહું ઘંટારવ.
દૃષ્ટિપાતમાત્રથી પ્રગટી રહે દીપ.
ફોરી ઊઠેલાં ગાત્રો
પોતે જ અગર - ચંદન.

ઉન્નત મસ્તકે
સ્પર્શની અર્ચા થાય
ને રોમેરોમ ફરી વળે
આરતીનું અજવાળું
ગમે ત્યાંથી શરૂ થાય
ને ગમે ત્યાં પૂરી થાય
આરાધ્યને તો અખંડ જ પહોંચે
પંચેન્દ્રિયની પરિક્રમા.

સાક્ષાત્કારની ક્ષણે -
અંદર છું કે બહાર
એવો પ્રશ્ન થતો નથી.
ક્યારેક શ્લથ થઈને,
આડેપડખે થાય છે આલય
તો ફરકી રહે છે ક્યારેક શરીર ઉપર ધજા.

મારી શ્રધ્ધાને
તારા વૃદ્ધ થવા સાથે કોઈ સંબંધ નથી !


0 comments


Leave comment