14 - અંતરઝુરાપો / હર્ષદ ત્રિવેદી


પતરાની બે ડબ્બીઓનાં
તળિયે કાણાં પાડીને
વચ્ચે રબ્બર સાથે બાંધેલી દોરી
તે આપણો ટેલિફોન !

તું કાને ધરે ડબ્બી
ને તંગ દોરી વાટે
સાંભળી રહે મારું ગણગણવું
ને એ જ રીતે સંભળાય
મને તારું રણઝણવું !

ક્યારેક -
હું બોલતો હોઉં
ત્યારે ય તું ધરે નહીં ડબ્બી કાને
ને આપણે બંને
છેડ્યાં કરીએ સંવાદી સૂર !

ઘણી વાર તો
આપણે બંને એકસાથે
સાંભળવા મથીએ
એકબીજાંની નાડીનો ધબકાર !

બોલવું - સાંભળવું
સાંભળવું - બોલવું
બોલવું - બોલવું
સાંભળવું - સાંભળવુંની લ્હાયમાં
એટલા આવી ગયાં નજીક
કે ઢીલી પડી ગઈ દોરી !

હજી ય કહું છું -
થોડેક દૂર જા
શકય છે કે સંભળાય
અંતરઝુરપાનો શબ્દ
જે હજી સુધી આપણે બોલી શક્યાં નથી !


0 comments


Leave comment