3 - અનુભૂતિનું ઊંડાણ અને સંવેદનનાં સાહિત્યસર્જનની તેજસ્વી નિહારિકા – યામિની વ્યાસ / પ્રવીણ સરાધીઆ


    મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા જેમને ‘સુરતની સાહિત્યિક-સાંસ્કૃતિક શ્રદ્ધા’ અને ‘ગુજરાતની આવતીકાલની આશા’ કહે છે. જાણીતા રેશાનાલિસ્ટ અને ચિંતક શ્રી રમણ પાઠક જેમને ‘નિસર્ગદત્ત કલાપ્રતિભાનો ખરે જ એક ચમત્કાર’ અને ‘જીવન સુધારણાના ધ્યેય પ્રતિ અંતરવેદના સાથે સમર્પણભાવે કલમ ચલાવી રહેલી બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક-કલાકાર’ તરીકે બિરદાવે છે અને સિદ્ધહસ્ત પ્રયોગશીલ ગઝલકાર નયન દેસાઈ જેમને ‘નાજૂક સ્ત્રીસહજ ભાવો વ્યક્ત કરવામાં નિપુણ’ અને ‘ગુજરાતી ગઝલની સમૃદ્ધિમાં આવેલો એક સરસ વળાંક’ કહીને અદકેરો આનંદ વ્યક્ત કરે છે એ યામિની વ્યાસનો જન્મ નવસારીમાં થયો હતો.

    આમ તો મૂળ બારડોલીનાં અને વળી શૈશવ પણ નાના ગામડામાં વીતાવેલું. એમના ડોકટર પિતા યામિનીને નાનપણમાં સુર્યાસ્ત પછી વાર્તાઓ સંભળાવતા. આખું રામાયણ અને મહાભારત પણ એમના પિતા પાસેથી જ એમણે સાંભળ્યું હતું. માતાને ભજન, ગરબા, નાટક વગેરેનો બેહદ શોખ. અહીંથી જ એમના ઘડતરમાં કલા-સાહિત્ય-સંસ્કૃતિના બીજ વવાયા અને અંકુરિત થયા. નવસારીમાં માઈક્રોબાયોલોજી વિષય સાથે સાયન્સ ગ્રેજ્યુએટ થયાં અને મુંબઈમાં મેડિકલ ટેકનોલોજીનું પ્રશિક્ષણ લીધું અને સુરત મહાનગરપાલિકામાં લેબ ટેકનિશિયન તરીકે જોડાયાં.

    છેલ્લા દસેક વર્ષથી જ એમણે ગીત-ગઝલ-કાવ્ય લખવાનું શરુ કર્યું છે. આ પહેલાં ગરબા અને નૃત્યક્ષેત્રે સક્રિય રહ્યાં. ‘પ્રીત બની પડછાયો’, ‘આમ્રપાલી’, ‘મીરાં’ જેવી નૃત્યનાટિકાઓમાં એમની કલાપ્રતિભા ખીલી ઊઠી. લેખન પ્રત્યેનો એમનો અભિગમ કેળવાયા બાદ એમણે પોતાની આંતરસૂઝથી કાવ્ય-ગઝલ ઉપરાંત અછાંદસ, નવલિકા, લઘુનાટિકા, ટૂંકી વાર્તા, એકાંકી અને ફૂલલેન્થ નાટકો તથા એકોક્તિઓનાં લેખનમાં સારી હથોટી કેળવી સફળ પદાર્પણ કર્યું છે.

    ‘સ્ત્રીભ્રુણ હત્યા’ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમનું નાટક ‘જરા થોભો’એ તો ૧૭૦ થી વધુ પ્રયોગો વડે સૂરત શહેર અને ગુજરાતભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી અનેક પારિતોષિકો અને સન્માન મેળવ્યાં છે. અને આ નાટક દ્વારા એમણે જનજાગૃત્તિનું હૃદયસ્પર્શી કામ કર્યું છે.

    યામિની વ્યાસ દ્વારા લખાયેલ, ભજવાઈ ચૂકેલ અને વિજેતા નીવડેલ નાટકોમાં ‘મિલીના ઘર તરફ’, ‘તમે મારા દેવના દીધેલ છો.’, ‘રણમાં ખીલ્યું પારિજાત’, ‘કાઉન્ટ ડાઉન’, ‘વીજળીના તારે ઝૂલે જિંદગી’ અને ‘હરી ભરી વસુંધરા’ મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘ઉડાન’, ‘જરા ચેતો’, ‘મેરી કહાનો સૂનો’, ‘સાહેબ પપ્પાને છોડી દો’, ‘પુનરાવર્તન’ – જેવા નાટકો પણ આપ્યાં છે. આ બધાંમાં સૌથી યશસ્વી નાટક ‘મિલીના ઘર તરફ’ એ રાજ્યકક્ષાએ પ્રથમ આવી રાજ્ય નાટ્ય અકાદમી તરફથી ૨૦૦૯માં શ્રેષ્ઠ સ્ત્રીપાત્ર, શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ અને ૨૦૦૯માં જ મુંબઈમાં ચિત્રલેખા નાટ્યસ્પર્ધામાં બેસ્ટ સ્ક્રીપ્ટનું પ્રથમ ઇનામ, આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સનાં મેરિટ સર્ટિફિકેટ જેવા ગૌરવભર્યા સીમાચિન્હો સર કર્યા છે. તેઓ રાષ્ટ્રીય કલાકેન્દ્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શ્રેષ્ઠ અભિનયનાં ઇનામો મેળવી યશસ્વી બન્યા છે. આ જ સ્ક્રીપ્ટને ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત મૌલિક નાટ્યલેખન સ્પર્ધામાં પણ પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ટી.એમ.સી., અમદાવાદ તરફથી ૨૦૧૦માં એમના એકાંકી નાટક ‘દીપમાલા’ને શ્રેષ્ઠ સ્ક્રીપ્ટનું પારિતોષિક તથા સંગીત નાટક અકાદમીની સ્પર્ધામાં પ્રથમ અને ૨૦૧૧માં શ્રેષ્ઠ અભિનયનું પ્રથમ પારિતોષિક મળ્યાં છે.

    યામિની વ્યાસે શ્રી ભગવતીકુમાર શર્મા લિખિત નવલકથા ‘અસૂર્યલોક’ પર આધારિત અને અમદાવાદ દૂરદર્શન પરથી પ્રસારિત થયેલ ટી.વી. સિરિયલ ‘અસૂર્યલોક’માં મહત્વની ભૂમિકા પણ ભજવી હતી. ઉપરાંત બે-ત્રણ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

    વરસાદનાં પહેલાં છાંટા જેવા એમના કાવ્યસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ ને સાહિત્ય પરિષદનું ૨૦૧૦નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. ત્યારપછી થોડા જ સમયમાં એમની ગઝલ-કવિતાની સીડી ‘તમારી એ આંખોની હરકત નથી ને ?’ નું વિમોચન થયું.

    આમ, યામિની વ્યાસ કેવળ લોકપ્રિય કલાકાર જ નથી, એક સજાગ સર્જક અને કલાઉપાસક પણ છે. શ્રી ભગવતીકુમાર શર્માનાં શબ્દો દોહરાવું તો ‘યામિની વ્યાસ એક આદર્શ ગૃહિણી, વત્સલ માતા, વર્કિંગ વુમન, કવયિત્રી, લેખિકા, ગરબાં નિષ્ણાંત, નાટ્યઅભિનેત્રી અને વોટ નોટ છે.

    હાથ પર લીધેલ કોઈ પણ કામ પર મંડી પડી તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવાના સકારાત્મક વલણને કારણે તણાવમુક્ત રહી કામ કરી શકે છે અને કામને અનુરૂપ કથનકળા અને ભાષાવૈવિધ્ય તો એમને હાથવગા છે જ, ઉપરાંત અભિવ્યક્તિનું વૈવિધ્ય નિપજાવવામાં પણ તેઓ ઘણી સભાન મથામણ કરે છે. જેનું પ્રતિબિંબ એમના સર્જનની સૂક્ષ્મ પ્રતિક્રિયાઓ અને સંકુલ સંવેદનાઓમાં ઝિલાય છે.

    આ પુસ્તક પ્રાકટ્યનાં અવસરને એમની જ પંક્તિઓથી આવકારીએ....

લખે ગ્રંથનાં ગ્રંથ તું લાગણીમાં,
નહીં કાંઈ સમજું હું બારાખડીમાં.
તમારા જ શ્વાસોની મીઠી મહેકનું,
રૂપાંતર થયું ફૂલની પાંખડીમાં.

- પ્રવીણ સરાધીઆ


0 comments


Leave comment