3.4 - અંક બીજો – દૃશ્ય - ૪ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(શુભાંગી અને સૌરભ પોતપોતાના મોબાઈલ ઉપર વાત કરતા હોય છે)
સૌરભ : ઓ.કે. થેંકસ અ લોટ (બીજી રીંગ વાગે) ઓહ મમ્મા... હા જોને શું કરું આજે સવારથી જ સતત ફોન ચાલું છે... શુભાંગી ?... એ પણ બીજા ફોન ઉપર બીઝી છે. બધાના વીશ કરવા સતત ફોન આવે છે... હા મમ્મા તમે ઘર જે પૂજા વિધિ રાખી હતી તે પતી કે નહીં ? ના.. ના હું નહીં આવી શકું... આજે ફરીથી ડાયાલીસીસ કરાવ્યું... કાલે અર્લી મોર્નીંગમાં ઓપરેશન માટે લઈ જશે... હા મિલીને પણ મળી આવ્યો... ના, એ બાબતમાં ચિંતા કરવાની જરૂરી નથી... હા શુભાંગી પણ સ્વસ્થ છે. પણ કાલે સવારે તું અને આનંદ આવી જજો...
(બંનેની ફોન પર વાત પૂરી થાય.)

શુભાંગી : વાત કરતા થાકી જવાય એટલા ફોન આવે છે.
સૌરભ : બધાની ગુડ વીશીશ... હંમેશા ગુડ બનીને રહેતી હોય છે.
શુભાંગી : બધાની તો છે જ... પણ સૌરભ, તમારી જ હૂંફને કારણે હું આટલી સ્વસ્થ રહી શકીછું... ખરેખર તમારે ખાતર... તમારા પ્રેમને ખાતર...
સૌરભ : પ્રેમ એ સનાતન છે... આપણું હોવું ન હોવું... ગૌણ છે અને આપણે પ્રેમને નિમિત્ત બનાવી જીવીએ છીએ. એ જ અગત્યનું છે... અને તો જ આપણા આ જીવનની સફર સાર્થક થાય... આ મોસમનો જ દાખલો લે ને... થોડા સમયમાં કેવો આત્મીય નાતો બંધાય ગયો...!
શુભાંગી : ભવાની કહેતો હતો કે એ મને મળવા માંગે છે... ભવાની દેખાય તો કહેજે કે એને લઈને આવે... મારે પણ ઓપરેશન પહેલા એને મળવું છે.

સૌરભ : મોસમ કદાચ નહીં આવી શકે. લાગે છે કે તે વધુ બીમાર છે... ટી.બી.ના symptoms છે.
શુભાંગી : એટલે ?
સૌરભ : એની ઈમ્યુનિટી એકદમ ઓછી થઈ ગઈ છે... અને એટલે ઇન્ફેકશન જલ્દી લાગે... એવું ડડૉક્ટર રવિ કહેતા હતા...
શુભાંગી : તો... મને લઈ જા એની પાસે...
(દરવાજા પાસે ભવાની મોસમને વ્હીલ ચેરમાં લઈને ઊભો છે..)

મોસમ : (ખાંસી ખાતા) આન્ટી...!
શુભાંગી : અરે... મોસમ તું ?
ભવાની : હા બેન... મોશમ બેબીએ બહુ જ હઠ કરી કે મારે આન્ટી પાસે જવું છે. એટલે ન છૂટકે લઈ આવ્યો. બાકી ડૉક્ટરોએ તો બિલકુલ મનાઈ ફરમાવી છે.
શુભાંગી : મોસમ... તું જોજે ને... તું જરૂર સો વર્ષની થવાની
મોસમ : કેમ...?
શુભાંગી : હું અને અંકલ હમણાં જ તને યાદ કરતાં હતા.. અને તું આવી.
સૌરભ : હા મોસમ...
મોસમ : અંકલ... દર પાંચ મિનિટે પાંચ ખાંસી આવે તો સો વર્ષની કેટલી ખાંસી ખાવાની ?
સૌરભ : તું તો મેથ્સનો અઘરો સમ પૂછી રહી છે.
શુભાંગી : બેટા તું ચિંતા નહીં કર, તું જલ્દી સારી થઈ જશે... આ તારો ભની જ કહેતો હતો કે આ ‘શેવ લાઈફ ઇન્સ્ટીટયુટમાં બધાની લાઈફ શેવ થઈ જાય છે.

મોસમ : લાઈફ તો એની સેવ થાય... જેના મમ્મી એની સાથે હોય...!
શુભાંગી : મોસમ !
મોસમ : આન્ટી, ગઈ કાલે મને એક સપનું આવ્યું હતું... જાણે મારી મમ્મી મને એની પાસે બોલાવી રહી છે... મારી મમ્મીનો પાલવ હવામાં લહેરાતો હતો... અને હું એના પાલવને ઓઢીને... એના પાલવ નીચે બેઠી હતી... બહુ ખાંસી આવતી હતીને એટલે..
શુભાંગી : મમ્મીની બહુ યાદ આવે છે બેટા ?
મોસમ : આન્ટી... આપણે પાલવ ઉગાડી નહી શકીએ... મમ્મીના પાલવ ઊગી ઉગીને લહેરાતા હોય... તો એની નીચે બેસવાની કેવી મઝા આવે...?
(મોસમને એકદમ ખાંસી આવે છે. શુભાંગી માંડ આંસુઓ રોકવા પ્રયત્ન કરે છે)

ભવાની : બસ બેબી બસ... બહુ નહીં બોલવાની શરતે જ તને અહીં લાવ્યો છું... ફરી પાછું આઈ.સી.યુમાં જવું પડશે...
(સૌરભ વાત બદલતાં)
સૌરભ : મોસમ... કાલે સવારે આન્ટીનું ઓપરેશન છે... તું વીશ નહીં કરે...
મોસમ : આન્ટી તમારે... તમારી મોસમ માટે જલ્દી સારા થઈ જવાનું છે... પછી કદાચ મારી પાસે... (ખાંસી)
શુભાંગી : બેટા, ખાંસી આવે ત્યારે બહુ બોલવાનું નહીં.
મોસમ : આન્ટી, તમે ઓપરેશન માટે જાવ ત્યારે તમને ગાઉન પહેરાવશેને... ત્યારે તમે મને તમારો આ પાલવ આપશો...?
તમે પાછા આવોને ત્યાં સુધી હું એને ઓઢીને બેસી રહીશ...
(ખાંસી વધે છે)

શુભાંગી : ચોક્કસ બેટા...
સૌરભ : ભવાની, મોસમને આરામની જરૂર છે.. તું એને..
ભવાની : શાહેબ... હવે તો મારાથી પણ શહેવાતું નથી.
મોસમ : ખીજવારે બુધડી... ખીજવારે બુધડી....
શુભાંગી : એ શું બોલે છે...?
ભવાની : ખીજવારે બુધડી... એટલે બુધવારે ખીચડી... આપણી કેન્ટીનમાં દર બુધવારે ખીચડી બને છે ને... એટલે એને બુધવારે ખીચડી જ જોઈએ. હવે જો કોઈવાર ખીચડી બદલે દાળ રાઈશ બન્યા હોય તો આવું બોલી–બોલીને જીદ કરે એટલે મારે ઘરેથી ખીચડી બનાવી લાવવી પડે... પછી એ મારા હાથે ખાય... અરે આજે પણ તારા માટે ખીચડી બનાવી લાવ્યો છું...
મોસમ : ક્યાં છે...?

ભવાની : તારા રૂમમાં મૂકી છે, પણ હું જાણું છું કે તું નથી ખાવાની. શાહેબ કેટલા દિવસથી અન્નનો એક દાણો પણ મોંમાં નથી મૂક્યો... મારી તો હવે હિંમત જ ભાંગી ગઈ છે.
સૌરભ : ભવાની હિંમત રાખવાની... આ સેવ લાઈફ હોસ્પિટલમાં બધા નસીબવાળા લોકો જ આવે.
શુભાંગી : પણ ભવાની હું આવતે ને... તારે અહીં લાવવાની શી જરૂર હતી ?
મોસમ : આન્ટી... મેં જ ભનીને કહ્યું કે મને આન્ટી પાસે લઈ જા... મારે તમને એક સરપ્રાઈઝ ગીફ્ટ આપવી છે.
શુભાંગી : ગિફ્ટ...?
મોસમ : હા, પિન્ક પિન્ક ગાલવાળી ડૉલ (વ્હીલચેરમાં છૂપાવેલ પેપર કાઢે છે) મેં ડ્રો કરી છે.. નીચે મેં સહી પણ કરી છે. કેવી છે...? જો કે ખાંસી એટલી બધી આવતી હતી કે... બરાબર ડ્રો નથી કરી શકી..

શુભાંગી : બહુ સરસ છે... બિલકુલ તારા જેવી જ...
મોસમ : આન્ટી, આને હંમેશા તમારી પાસે જ રાખજો અને મારી યાદ આવેને ત્યારે આ ડૉલ સાથે વાત કરજો... હું... નહીં... હોઉં...
(બહુ જ ખાંસી આવે. શુભાંગી મોસમને વળગી પડે...)

ભવાની : ચાલ બેબી, બાય કરી દે...
(મોસમ ખાંસીને કારણે બોલી શક્તિ નથી માત્ર હાથ ઊંચો કરે છે... ભવાની વ્હીલચેર પર લઈ જાય સૌરભ તથા શુભાંગી પાછળ પાછળ આવે. મોસમને બહુ ખાંસી આવે અને લોહીની ઉલટી થાય. ભવાની એકદમ ગભરાઈ જાય અને ‘ડૉક્ટર રવિ... ડૉક્ટર રવિ’ની બૂમો પાડે..)
મોસમ : આન્ટી...આન્ટી... મમ્મી... મમ્મી...
શુભાંગી : હા બેટા, તને કંઈ નહીં થાય...
સૌરભ : ડૉ. રવિ પ્લીઝ...
(ઓચિંતી મોસમની ખાંસી અટકી જાય વ્હીલચેર ઉપર ડોકું નાંખી દે. ડૉ. રવિ આવી પહોંચે અને મોસમનો હાથ હાથમાં લે... પણ પલ્સ પકડાતી નથી. હાથ વડે મોસમના પોપચાં ઢાળી દે.)

ભવાની : અરે બેબી... બોલને.. મૂંગી કેમ થઈ ગઈ..? બોલ.. તારી બકબક કેમ બંધ થઈ ગઈ...? (સેલફોન મોશમના કાન પાસે મૂકે) બોલ બેબી... વાત કર... અરે, તારા વગર આ ‘શેવ લાઈફ’ શાવ મૂંગી થઈ જશે... બોલ... (મોસમનો રેકૉર્ડેડ અવાજ આવે) ભની, સેલ ફોન મારા કાન પાસે મૂકી રાખજે... કબરમાં સ્કેટન થઈ જઈશ ને તો પણ હું તમારા બધા સાથે વાતો કરી શકીશ...
(ભવાની આક્રંદ કરે છે)
મોસમ (રેકૉર્ડેડ અવાજ) : આન્ટી, તમે સારા થઈને આવશો ને ત્યારે હું તમારો પાલવ ઉગાડી રાખીશ.. પછી આપણે લહેરાતા પાલવ નીચે બેસીશું... સો વર્ષ સુધી. (હોસ્પિટલનો આખો સ્ટાફ સ્તબ્ધ થઈ જાય છે.)
(બ્લેક આઉટ દરમિયાન રેકૉર્ડેડ સંવાદ સંભળાય.)
ડૉ. શ્રીનિવાસન : કોન્ગ્રેચ્યુલેશન મિ. ભાટિયા... ઑપરેશન ઈઝ સક્સેસફૂલી ડન.
સૌરભ : ઓહ, થેન્ક ગૉડ...! થેંક્સ ડૉક્ટર.


0 comments


Leave comment