33 - એક છોકરીની આંખ મહીં ઉડતો ગુલાલ / તુષાર શુક્લ
એક છોકરીની આંખ મહીં ઉડતો ગુલાલ
અને છોકરાની આંખ પિચકારી
“સામ સામે બારીઓમાં બેઠી વસંત”
કહ્યું ફૂલોએ આંખ મિચકારી
ઉમરનાં ઉંબરાને વ્હાલે વટાવતાં
એ છોકરીએ છોકરાને કીધું:
“હાથમાં ગુલાબ, અને કોરા છે ગાલ
ચાલ, પૂછી લે આજ સીધે સીધું,”
છોકરાના ફાટફાટ જોબનને છોકરીએ
લટકામાં દીધું લલકારી
રંગ તણું વાદળ થઈ વરસ્યો એ છોકરો
ને છોકરીએ ના ય ના પાડી
સંગ સંગ રંગ રંગ રંગયા બેઉ
એની અંગ અંગ ખાઈ રહ્યું ચાડી
બંનેની છાતીમાં છલકે ઉમંગ
અને આંખે અનંગની સવારી
પંચાંગો લઈ લઈને ગલઢેરાં જોતાં કે
હોળી છે ઓણ સાલ ક્યારે?
રંગે રમવાના તે મૂરત જોવાય, અલ્યા?
આજે રમી તો અત્યારે!
રંગાવું હોય ત્યારે રંગવાને માટેની
તૈયારી જોઇએ તમારી
0 comments
Leave comment