35 - ઝીણી આંખો કરીને જુએ ગામ તણા લોક / તુષાર શુક્લ
ઝીણી આંખો કરીને જુએ ગામ તણા લોક
મારો વ્હાલમજી રંગે મને ઉઘાડે છોગ
એને રૂંવાડે કેસૂડા ઊગ્યા થોકે થોક
મારો વ્હાલમજી રંગે મને ઉઘાડે છોગ....
ચપટી ગુલાલ તણી પાડી’તી હા
મૂટ્ઠી ગુલાલ કેરો કીધો રે ઘા
સહિયરને કીધું’તું સાજનને રોક
વ્હાલમજી રંગે મને ઉઘાડે છોગ...
કેમ કરી આજ હવે જાવું મારે ઘેર
ગામ તણી આંખોને થઈ ગઈ છે લ્હેર
રંગીલા રસિયાને સમજાવો કોક
વ્હાલમજી રંગે મને ઉઘાડે છોગ...
કેટલું કીધું કે અલ્યા, અથરો ન થા
જંપ લગીર જીવ, જરી જાળવ્યો તું જા
કાને પડ્યું એ બધું કીધું રે ફોક
વ્હાલમજી રંગે મને ઉઘાડે છોગ....
0 comments
Leave comment