36 - આવો તો વાત કહું કાનમાં, વ્હાલમજી / તુષાર શુક્લ


આવો તો વાત કહું કાનમાં, વ્હાલમજી
આવી વસંત આ વેરાનમાં

આંખોમાં રઢિયાળા રંગો રેલાય
અને હૈયામાં છાનો ઉમંગ
વાસંતી વાયરાએ કીધું, ઓ ઘેલી,
હવે માંગી લે મનગમતો રંગ
હું ય ક્યાં સુધી બેસી રહું માનમાં? વ્હાલમજી,
આવી વસંત આ વેરાનમાં

રંગે રમનારા ઓ રંગીલા માણીગર
તું નાની શી વાતમાં રિસાયો
હું યે મનાવવા ન આવી તે ભૂલ મારી,
હૈયેથી ના રે વિસરાયો
હવે આંખો નચાવે તોફાનમાં, વ્હાલમજી
આવી વસંત આ વેરાનમાં.


0 comments


Leave comment