39 - તને પૂછું એક જ સવાલ, ઓ સજની / તુષાર શુક્લ


પુ. : તને પૂછું એક જ સવાલ, ઓ સજની
રમવું ગમે ને ગુલાલ?

આંખો મીંચીને તને પીધી છે રોજ
હવે ખુલ્લી આંખોએ તને જોવી
ઝંખનાના ફોરમતા ફૂલોની માળા
મેં તો રાત રાત જાગી પરોવી
નસ નસમાં ઉછરેલી ઇચ્છાઓ
છાતીમાં લૂમઝૂમ લ્હેરે છે ફાલ

સપનામાં મન મારું રોક્યું રોકાય નહીં
ચાહું તને ને લઉં ચૂમી
સપનાની આંગળીએ સપનાના મ્હેલમાં
મનફાવે એમ રહું ઘૂમી
સપનાના ગામનો હું રંગીલો રાજવી
સપનામાં કરતો કમાલ

સ્ત્રી: શાને પૂછે છે આવા સવાલ, ઓ સજના
ગમતાંનો કરને ગુલાલ
તારે કરવું છે મનગમતું વ્હાલ, ઓ સજના
ભૂલી જા સઘળાં સવાલ

આંખોમાં ઉછરે ને આંખોમાં ઉડે
એવાં સપનાં તો સપનાં છે નામના
સપનાંમાં ચાહો ને સપનાંમાં ચૂમો
એવા સપનાં તે સજના, શું કામના?
શબ્દોનું કામ હોઠોને કરવા દે
ચાહે તો ચૂમી લે ચાલ હવે ઓ સજના
ગમતાંનો થાશે ગુલાલ


0 comments


Leave comment