40 - મેં તો આપ્યું તને ગુલાબ, ઓ ગોરી / તુષાર શુક્લ
મેં તો આપ્યું તને ગુલાબ, ઓ ગોરી
માંગ્યો નથી જવાબ
તને શાને લાગ્યું ખરાબ, ઓ ગોરી
માંગ્યો નથી જવાબ
એક તો વાયુ વહે વાસંતી
ઊડે દુપટ્ટો તારો
ઓઝલ થાતું મુખડું પળભર
જલે જીવડો મારો
ના રહેતો દિલ પર દાબ, ઓ ગોરી
શાને લાગ્યું ખરાબ?
વસંત ઋતુ પોતે વરણાગી
રંગ સુગંધની છોળ
આવ, તું મારી આંખમાં આજે
રંગ કસુંબલ ઘોળ
મારો બદલી જાય રૂઆબ, ઓ ગોરી
મળશે મને જવાબ
નથી ખોટું, કંઈ ખરાબ, ઓ ગોરી
આપ્યું તને ગુલાબ
0 comments
Leave comment