41 - વ્હાલમ વરણાગી થઇ અડક્યો વસંતમાં / તુષાર શુક્લ


વ્હાલમ વરણાગી થઈ અડક્યો વસંતમાં
ને કમખાની કસ્સ રહી તૂટી
ચૂંદડીએ ચિતરેલી ચમ્મેલી વેલ
એને મઘમઘતી કળીઓ ગૈ ફૂટી

અમથું જરાક હું તો પાદરમાં ગઈ’તી
ને અમથું ઊભી’તી સાવ શેઢે
અમથું અમથું જ હું તો ઓઢણીના પાલવને
વીંટી રહી’તી મારા વેઢે
વાતમાં ને વાતમાં કૈં ગાંઠ પડી એવી કે
એકલાથી જાય નહીં છૂટી

અમથું જરાક હું તો વાડામાં ગઈ’તી ને
અમથું જરાક લગતી ઝૂકી
અમથું જરાક મારી આંગળી અડી ને
ત્યાં તો ઝૂમવા લાગી રે ડાળ સૂકી.
અચરજથી હું ય ભલી જોવા લાગી
કે આ તે આંગળીઓ છે કે જડીબુટ્ટી?

અમથું જરાક હું તો આંગણેથી ઓસરીને
ઓસરીથી ચડી ગઈ મેડી
અમથું અમથું જ સાવ દીધેલું બારણું
તે બની ગયું વ્હાલ ભરી બેડી
મનના માનેલા શું માંડી’તી વાત
એની વાતમાં જ રાત ગઇ ખૂટી


0 comments


Leave comment