43 - સૂરજની આંખેથી આંસુ ખર્યુ / તુષાર શુક્લ


સૂરજની આંખેથી આંસુ ખર્યું
ને ખર્યુ આંસુ ત્યાં ઉગ્યા ગુલમ્હોર
વૈશાખી વાયરાએ માંડ્યુ તોફાન
જોઈ તીણેરા તડકાનો તોર

વ્હાલમના વાયદાને છાંયે હું એકલી
ને એકલી ઊભી છું વાટ જોતી
પલ પલમાં છાંયડાઓ ટૂંકાતા જાય
અને હિજરાતી આંખ મારી રોતી
મારી આ એકલતા ઊતરડી જાય
તીણાં તડકાના લોહીઝાણ ન્હોર

ગુલમ્હોરી સાંજ અને હું છું ઉદાસ
મારા આંસુને નામ કોણ પાડે?
ઢળતી આ સ્હાંજ કહે, આંખોમાં આંજ મને
ઝાઝી ન વાર રાત આડે.
સૂની અગાશીમાં ઊભી વિચારું કે
કોણ મારી ચાંદનીનો ચોર ?


0 comments


Leave comment