3 - ઊડણચરકલડી / પોલિટેકનિક / મહેન્દ્રસિંહ પરમાર


આ દસ આ દસ પીપળો, આ દસ દાદાના દેશ જો,
તું તો રે બેની, ઊડણચર....કલ....ડી.....
   ડેલાની બાયુંએ આંસુઘેરી આંખ્યે ગીત ઉપાડ્યું ત્યારે ગોરમા’રાજે થાપા દેવાની વિધિની સૂચના કરી. જીવીએ કંકુની થાળીમાં હાથ બોળ્યા ન બોળ્યા ને જરીક અમથો ભાર દઈને થાપા માર્યા. એના હાથ બરોબર ઉપસ્યા નહીં. ગગલી, હરખો ભાર તો દે બટા ! એકાદ ખોખલી ડોશીનો અવાજ ગીતમાં ઢંકાઈ ગયો. જીવીએ જાણે કઈ સાંભળ્યું જ નહીં. ડેલાના ખખડધજ બારણાને આ નવું નહોતું. નવીનવેલી પરણેતરો જે ઉમંગથી ડેલામાં પગ દેતી એનાથી ઝાઝો ઉમંગ પરણીને જતી એ ટાણે દીકરિયુંમાં ડેલામાં ભાળેલો.

   આજ જીવલીનું ય એવું થ્યું. ચરકલડીને ઉડી જવાની એવી ઉતાવળ હતી ! આગળ મનસુખ, પાછળ જીવી, એની પાછળ જાનડિયું ને એની પાછળ ડેલાની બાયું. ખાંચે મીની ટ્રક ઊભી રાખેલી. રેલ્વે સ્ટેશનથી અમદાવાદની ગાડીમાં જાન પાછી જવાની હતી.

   ઉતાવળી જીવીને આંતરીને એની બેનપણયું રીતસરની ચોંટી પડી. ‘બેન, હાસવીને રેજે ! આપડી રામસભાને યાદ કરજે. એની ખાસમખાસ બેનપણી સવલી થોડીક વધુ બોલકી. જીવીને ભેટતી વેળા ખોટાં ડૂસકાં ભરતી હળવેકથી એના કાનમાં કહે : ‘બેન તને તો સમજુ ડોશીના આશરવાદ ભારી ફળ્યા હોં ! મજાનો કલૈયાકુંવર જેવો નોકરિયાત મૂરતિયો જડ્યો. ને આંઈનું હાટુ વાળી દયે એવું ઘર જડ્યું, તારે તો બેન, ઘરમાં ઘર... ને ફળીયામાં.... !’ અમારે તો ઈની ઈ રામસભા ! તને યાદ કરીને નિહાકા નાખશું બીજું હું !’

   જીવી સમજી. સવલી રોજ રાતના ટાણે ડબલાંવાળી વાત કરતી હતી. કમળી ડોશીએ નામ પાડેલું. રાતે બધાં ગયેલા ને નામકરણ થયેલું. ડોશી રોનકી તે બેઠાં બેઠાં ગાય : ‘રામસભામાં અમે રમવાને ગ્યા તા... ડબલાં ભરીને પાણી ઢોળ્યાં રે...’ અટાણે એનું ઈ વાતે મરકલડું ! જીવીએ પડખે ઉભેલા એના ‘એ’ તરફ નજર કરી. રોવાનો ઢોંગ કરતી મરકી. વિદાયવિધિ લંબાતી હતી ને મૂરત ખોટી થતું હતું. એની ગોરમા’રાજે ટકોર કરી : હાલો બેન્યું, હવે બે’ક ઉતાવળ રાખો. ચોઘડિયું નથી હારું !’

   એનો વર ટેબલે પગ મૂકીને ટ્રકમાં ચડવા જતો’તો. એને એમ કે જીવીને હાથ દઈને ટેકો કરે. પણ ગોરમા’રાજના શબ્દો પૂરા થતાં ભેળી તો જીવી ચપલેરાની ટ્રકમાં કૂદી ગઈ ! જાનડીયુંને જોણું થ્યું ! ‘બાઈ, આંઈ ઉતાવળ તો જૂઓ ! ડેલાની બાયુંએ જમાઈરાજને ટકોર કરી. : ‘મનસુખલાલ આને તો વિમાનમાં બેહાડીને લઈ જાવ !’ મનસુખલાલ મલક્યા. ઠેકડો મારીને અંદર. પાછળ એક પછી એક જાનૈયા.

   જાનપક્ષની બાયુંએ જમણમાં મોહનથાળનાં બટકાં સારીપટ ઉડાવેલા તે અવાજ બેસી ગયેલા. તોય ગીત ઉપાડ્યું : પરણ્યા એટલે પ્યારા લાડી, હાલો આપણે દેશ.... જો !’

   એક હડદોલો લાગ્યો. મીનીટ્રકનું પૈડું સીંચાણું. વરરાજાને લાડી હાર્યે અથડાવાની પેલવેલી મજા આવી. ટ્રક સ્ટેશન ભણી રવાના થયો. મજાનાં ગાદલાં બિછાવેલા ટ્રકમાં. ‘વ’વનાં પિયરીયાએ હારી વ્યવસ્થા કરી છે હો !’ એવું બે-ત્રણ વડીલો બોલ્યા તે ગાણાંના અવાજમાં સંભળાણું નહીં. જીવીને ઊભા થઈને પોતાનું ગામ ને ગલીઓ જોઈ લેવાનું મન થઈ આવ્યું. પણ સંકોચથી બેઠી રહી. ટ્રક ચાલતી રહી. ટ્રક ચાલતી રહી એમ જીવી મનોમન રસ્તામાં આવતાં પરિચિત સ્થળોમાં તાળો અંદાજે મેળવતી રહી. ‘એ.વી. સ્કુલ ગઈ... ભીખાની ચાલી... આ હવે.... સુલભ... હવે ગામતળાવ... હવે પાનવાડી... હ... વે...’ ત્યાં વરરાજાએ કોણી મારી આંખનાં ઈશારે પ્રશ્નાર્થ કર્યો. જીવીએ નીચું જોઈ ડોકું સહેજ ધુણાવી ‘કાંઈ નહીં’ સૂચવ્યું. મનસુખે સમયસર પાછી વાળી. જીવીને થયું. પોલિટેકનિકનું સ્થળ એટલી વારમાં નીકળી ગયું. ‘હારું થ્યું.’ બળ્યું અટાણે આ રામસભામાં રમવાના ઠેકાણાં જ કાં યાદ આવ્યાં ?’ એને તો બધાં સમરણ જ ભૂંસી નાખવા’તાં. ‘હવે આને ક્યાં હાર્યે લઈ જવાના છ ?’... એની વિચારમાળા આગળ ચાલે ત્યાં એક બુઝર્ગે બાયુંને ગાણાં બંધ કરવાનું કહ્યું : ‘હવે ટેશન આવી ગયું ! ઘડીક જંપો !’

   વરરાજા ઊતર્યા. સાસુમાએ જીવીને હળવેકથી બાવડું પકડીને ઉતરવામાં મદદ કરી. એમણે જ ટ્રેનથી ટ્રેનનું ટાઈમટેબલ જાન લઈ જવાનું બનાવેલું. રાતના આઠ વાગ્યે ટ્રેનમાં જાન નીકળી, સવારે ગાડીમાં જ બધા ‘ફ્રેસ’ થઈ જાય ત્યાં નવ વાગ્યે જીવીના માંડવે ! અત્યારે આઠની ગાડીમાં બેઠાં... તે... સવાર પડતામાં પાછા ઘરભેગા ! છોકરી સારી જડતી હોય તો ક્યાં રયે છે એની ફકર-પંચાત શું કરવાની ? આ કોઠાડહાપણ મનસુખની માનું ! મનસુખના બાપા પાછા થ્યા પછી મનસુખને મોટો કરવામાં આ ડહાપણ ભણેલી મનસુખની મા. જીવી ને મનસુખને ભેગા બેઠેલા જોઈને એમની આંતરડી ઠરી. છોડી હવે બધું ઉપાડી તો લેશે ને !

   જીવીને તો ઝટ્ટ સાસરે પહોંચીને બધું સંભાળી લેવું હતું. પણ ગાડી ઉપાડે ત્યારેને ? આ ગાડી સાથે એનો બહુ સારો અનુભવ નહોતો. ‘રામસભા’ ટ્રેનમાં ભરવાનું નક્કી કરવું પડેલું. ડેલાની દસપંદર બાયું આવી’તી. એને ને સવલીને થોડીક વાર લાગી ને ગાડી ઉપડી ગયેલી. ફફડતે જીવે ઠેઠ ગઢેચી વડલા સ્ટેશને પહોચી ગયેલા. પાટે-પાટે પાછા આવેલા, ત્યાર પછી આજે ગાડીમાં બેસવાનું થયું. તે ય કેવા પ્રસંગે ! જાનૈયા તો થાક્યા’તા તે ઝોલે ચડી ગયેલા. મનસુખે થોડીક છૂટ લીધી, હળવેથી પૂછ્યું : ‘આ કયું સ્ટેશન ?’ જીવીએ સાહસ કર્યું : ‘ગઢેચી વડલા’ ધીમેથી ગણગણી. આને ક્યાંથી ખબર ? ‘ના, ના, એ તો અમથા જ પૂછતા હશે. પણ મારે ય હવે ક્યાં સુધી આ યાદ રાખવાનું ? કાલથી તો ઘરમાં ઘર ને....’ ગાડી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ જીવીના ચહેરા પર ચમક વધતી ગઈ.

   મનસુખની માને ખૂબ નવાઈ લાગી ! છોડી ધારી’તી એના કરતાં વધુ ડાઈ નીકળી. ઘરનું કામ બધું ઉપાડી લીધું. સવારમાં ચાર વાગ્યામાં ઊઠી જાય. ફટોફટ ઘર વાળી-ચોળી મનસુખનું ટિફિન બનાવી દ્યે. સાતખોટની સાસુનું બહુ ધ્યાન રાખે. ‘બા તમને આમ કરી દઉં ને લાવો બા તમારા પગ દાબી દઉં !’ બાના આટલા વરસના બધા અભાવા ભાવથી ભરી દીધા. કામે-કાજે પાછી ચોખ્ખી. આખ્ખા ઘરમાં ક્યાંય ધૂળની રજસરખી ન રહેવા દ્યે. ઘરની લાદી તો પોતા કરી-કરીને ચકચકતી કરી નાખે. મનસુખની માને એક વાત ન સમજાય. આખું વરસ હાલતો ફિનાઈલનો બાટલો જીવી એક મહિનામાં ખાલી કરી નાખે. એમાંય લેટરીનમાં તો એટલું ફિનાઈલ નાખે વાત નઈ ! પાછી અંદર ગઈ હોય તો કલાક કાઢી નાખે. એકવાર તો એમણે જીવીને ચમકાવી દીધી : ‘વહુ બટા ! આઠ દિવસથી જોઉં છું. તમને ‘અંદર’ આટલી બધી વાર કેમ લાગે છે? આ હું ને મનસુખ તો ગ્યા ભેગા બા’રા ! તમને ખાવામાં તો વાર નથી લાગતી ! હું પે’લો કોળિયો લઉં-લઉં ત્યાં તો તમે લૂસ લૂસ ખાઈ લેતા હો છોં. તો ન્યાં કેમ કલાક થઈ જાય છે. અંદર ઊંઘી તો નથી જાતા ને બટા ! કે પછી કઈ પેટમાં ગડબડ રેતી નથી ને ? એવું કઈ હોય તો વિના સંકોચે કહી દેવું બાપા ! શરમ નોં રાખવી ! દાક્તરને બતાડવું છે ?’

   જવાબ શું દેવો તે જીવીને સૂઝ્યું નહીં. પોતે આટલા વરસનું સાટું વાળે છે ને ટાઈલ્સવાળી મજાની જગ્યાનો લેવાય એટલો લાભ લેવા બેઠી રહે છે ને બેઠી બેઠી પિયરની પનોતી સંભારતી રયે છે તે બાને કેમ કે’વાય ! એમને કેવું લાગે ? એટલે ‘ના, બા એવું કાંઈ નથી એ તો સે’જ વાર લાગી જાય છે. હવે નહિ લગાડું કહીને વાત વાળવા એણે પ્રયત્ન કરેલો.

   મનસુખ ને બા એ જ જીવીની દુનિયા. આટલા સમયમાં એણે એના પિયરીયાને ભાગ્યે જ યાદ કરેલા. એક વાર મનસુખે પૂછી લીધું. ‘જીવી, તને મા-બાપ યાદ નથી આવતાં ?’ આણે જવાની ય ના પાડી દીધી’તી. ને હજી સુધીમાં એકવાર પણ તેં પિયર જવાનું નામ નથી લીધું ! જીવલીનો જીવ મનસુખ સાથ બરોબર મળી ગયેલો. હવે એની પાસે શું છુપાવવાનું હોય ? એણે વિના સંકોચે કહી દીધું : ‘સાચું કહું ? તમે ને બા, બેય જણાં મને એવી સાચવો છો કે મને પિયરીયાની યાદ નથી આવવા દેતા. નહીં જવાનું કારણ તમે બેય ! બાએ આખી જિંદગી ઢસરડા કર્યા છે, હવે એને બે-ત્રણ દિ’ પણ બધું કરવું પડે તો બિચારા થાકી જાય !
‘બરાબર. હવે બીજું કારણ કહે હાલ.’
   જીવી સે’જ ઝંખવાણી. ‘બીજું કારણ કહીશ તો તમે હસશો પાછા ! આંઈ આપણા ઘરમાં જે છે ને એ અમારા ડેલામાં નથી !.... પછી એણે ડેલાની બાયુંની કઠણાઈની, ‘રામસભા’ની કહાણી માંડીને કરી. બેયને હસતાં હસતાં રોવાઈ ગયું. ‘ઠીક, ત્યારે, એમ વાત છે ! ત્યારે અમારા કરતાં તો તને ‘આ’ નવી ‘રામસભા’ની માયા લાગી છે એમ કહેને ! આ તો તે મને કોઈ દિ’ કીધું જ નહોતું !’ મનસુખે મજાક કરેલી.

   જીવલીને એવો જલસો પડી ગયો કે આજકાલ કરતાં વરસનું વહાણું વાઈ ગયું. પિયર સાંભરે. વાત કરે, ફોનમાં. મનસુખે મોબાઈલ અપાવી દીધેલો. પોતાના સુખના સમાચાર મોકલ્યા કરે. સવલી હાર્યે વિગતે વાત કરે, પોતાના સુંડોએક સુખની ! મા-બાપ આગ્રહ કરે : ‘એક આંટો તો આવી જા, બેન ?’ પણ બેનબાને તો મૈયરમાં મનડું માનતું નથી ! બાનું ને મનસુખની નોકરીનું બહાનું જીવલીને હાથવગું જ હોય.

   એક સવારમાં મા અને એનો ભાઈ પરેશ પ્રગટ થયા ! પરેશના લગનની કંકોત્રી લઈને આવેલા. મા કહે : ‘બે’ન, પરેશના અખાત્રીજના લગન લીધા સે. તેડું કરવા આવ્યા સંઈ. પંદરેક જમણ તો તારે રોકાવું જ પડે ! તારા વિના કંઈ થાય નહીં.'

   જીવલીને પરેશ ખુબ વહાલો. નાનો હતો ત્યારે ડબલું લઈને રામસભામાં ધરાર આવતો ! ઓહો ! કાલ સવારનો ટીનકુકડોક પરિયો તો વરરાજો થવાનો ! બેન પોરસાણી. ભાઈનાં લગનનો ઉત્સાહ કઈ બેનને નો હોય !

   પણ... જીવલીને તરત જવાબ સૂઝ્યો નહીં.
   જીવીની સાસુએ પણ આગ્રહ કર્યો.
   ‘વહુબટા, જઈ આવો ! વરસદિવસથી ગ્યાં નથી ! ભાઈનેય હરખ હોય ને ! મારી એકની એક મોટીબહેન છેડાછેડી બાંધે !’

   જીવી મૂંઝાણી. માને છાને ખૂણે સમજાવી. એ જ મનસુખની નોકરી, સાસુની તબિયતની આડી દઈને. જેમ બને તેમ વે’લી આવી જઈશ. કરીને બેયને વળાવ્યા. રાતે મનસુખે મશ્કરી કરી :
  ‘મને ખબર છે, તું કેમ નથી જાતી ! પણ ડેલામાંય હવે તો સગવડ થઈ નહીં હોય રામસભાની ?’
  ‘ના રે ના ! હજી એમનમ જ હાલે છે ! હવે મને એ બધું કેમ ફાવે ! હાસું કઉં ? તમારી ય માયા લાગી ગઈ છે.’
  ‘અમારી કે આ ફિનાઈલના બાટલાની !’
  ‘જાવને હવે... કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય...’ જીવી રોવા જેવી થઈ ગઈ.
   પરેશના લગન ઢુંકડા ને ઢુંકડા આવતા ગયા ને જીવલીના જીગરમાં ટુકડે ટુકડા, મુંઝવણોની કચ્ચરો ઘૂમરાવા લાગી. ‘જાવું જ જોઈએ’ પણ વળી ડબલાની ય ચકરાવા ય લાગી. ના, ના. કાંઈ નથી જાવું. આ બાજુ જીવલી આવી રીતે મુંઝાણીને પેલી બાજુ ડેલાની બાયું રાહ જુએ. આવડી આ ઊડણચરકલડી તો નવી નવ્વાઈણી પવણી છે. વરહ થ્યું. ડેલામાં પગ ઠામુકો મુક્યો નથ સોડીએ ! એકનો એક ભાઈ પવણે સ ! લગનઆડા તય્ણ દિ’ ર્યાસ તોય આજ આવું કાલ આવું કરેસ ! અલી, સવલી, તારે તારી ખાસની બે’નપણી હાર્યે કાંઈ વાતચીત થાય સે કે નંઈ ?

   થોથવાતી-સંકોચાતી સવલીએ જીવી કેમ નથી આવતી એની વાત કરી ત્યાં તો કોચાબોલાં કમળીડોશીનો બાટલો ફાટ્યો. ડબલું ઉલાળતા બોલ્યા : મેર મૂઈ ! આયાં અમારી હાર્યે ડબલે નીકળતી તંયે શરમ નો’તી આવતી ! નવી નવાઈની અંદાદ ગઈ સે ને સનેલત્તા થઈ ગઈ સે ! એકના એક ભાઈનોય વસાર નથ કરતી ?

   સવિતા ઉર્ફે સવલીએ રાતે અગ્યાર વાગે ‘ફ્રી ટોકટાઈમ’માં પોતાની ખાસની ફ્રેન્ડ (!)ને આ બળાપો પોગાડ્યો. ‘જીવી તું બરાબર નથ કરતી હોં ! આંય માસીને તારો ભાઈ બેય મુંઝાય છે ! બધાને શું જવાબ દેશું ? પરિયો તો તું નહી આવ તો ઘોડે ચડવાની જ ના પાડતો’તો. તું મે’રબાની કરીને આવ બેન. લાવ. જીજુને આપ.’

   સવલીએ એના ‘જીજુ’ને આખી પરિસ્થિતિ સમજાવી. જીવી તાકી રહી મનસુખને. હું હમજું જ સુ બધુંય. પંદર દીથ્યા ખાવું ગળે નથ ઉતરતું. બધાયની વાત હાસી. પણ મન સેંય માનતું નથી. પસી તમે જેમ ક્યો એમ કરું.’

   ‘તું આવા સારા પ્રસંગે નહી જા તો અમે ભૂંડા દેખાશું. એક કામ કરીએ. તને પરણવા ગાડીમાં આવ્યાં’તાં ને, એમ રાતની ઈન્ટરસીટીમાં જઈએ, સવારમાં ત્યાં. વળતી ઈન્ટરમાં રાતે ત્યાંથી ઘરભેગા. અને ગાડીમાં તો તમારા માટે ‘હાઈક્લા’ વ્યવસ્થા છે જ ! ઉપડી જાય તો અધવચ્ચે ઉતરીને ટાંટિયાતોડ કરવી પડે એવું તો છે નહીં ! અમદાવાદથી અમદાવાદ – સરક્યુલર રૂટ ! હું ભેગોને ભેગો ! જીવીએ શરમભર્યા હેતથી છણકો કર્યો. ‘તમે તો એવા જ છો !’ તમને બધું કહીએ ત્યારે આવી મશ્કરી સૂઝે છે ને ! સારું, હવે બેલેન્સ હોય તો ફોન જોડીને સવલીને કઈ દ્યોને કે... મંડપમૂરતમાં પોગી જાશું !’

   ડેલામાં સવલી ન્યુઝ. ‘બેન ને મનસુખજીજુ સવારમાં મંડપમૂરતમાં આવે છે.’ ડોશીયુંએ ગણગણ કર્યું.
‘લ્યો, મડમડી મંડપમૂરતમાં આવે સે !’
   ડોશીયું હજી વધુ સરસ્વતી સંભળાવે ત્યાં જ જીવીની માએ વાળ્યું : ‘મંડપમૂરત તો મંડપમૂરત. છોડી ટાણે પૂગે સે ઈ જ ઘણું નં’ઈ !’

(‘વાર્તા રે વાર્તા’, ૨૦૧૫)


0 comments


Leave comment