5 - આ રીતે જવાયું ‘મિલીના ઘર તરફ’ / યામિની વ્યાસ


    જ્યાં મારી રંગમંચને લગતી ગતિવિધિઓ આકાર પામીને સાકાર થઈ છે એવા ‘રાષ્ટ્રીય કલાકેન્દ્ર’ની નાટ્યલેખન સ્પર્ધાથી મંડાયેલ આ નાટક ‘મિલીના ઘર તરફ’નું પ્રથમ કદમ અને ત્યારથી શરુ થયેલી યાત્રા. આ નાટકના મંચન માટે શહેર તથા રાજ્યકક્ષાએ ઉપરાંત મુંબઈના ભવન્સ થિયેટર સુધી ભજવવાની કેડી કંડારી આપનાર ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર’ની તો હું અત્યંત ઋણી રહીશ જ. સાથે સાથે આ નાટકના યશસ્વી દિગ્દર્શક શ્રી મેહુલ શર્મા અને અત્યાર સુધી થયેલા તમામ પ્રયોગોના મારાં પોતીકાં સાથી કલાકારો, ઓનસ્ટેજ તથા બેકસ્ટેજના ઉત્સાહી રંગકર્મીઓ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ નાટક સાથે સંકળાયેલ વ્યક્તિઓ, વિવિધિ સ્થળે ભજવવાની તક આપનાર શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓએ આપેલ સાથ સહકારની આનંદસભર નોંધ લઉં છું.

    આ નાટકને યોગ્ય ન્યાય આપનાર નિર્ણાયકશ્રીઓ, નાટ્યવિવેચકો, તજજ્ઞો તરફથી મળેલ માર્ગદર્શન, પ્રોત્સાહન અને અમુલ્ય આશીર્વચનોને કારણે આ નાટક સાચા અર્થમાં વધુ સમૃદ્ધ બન્યું છે. મારા નાટક માટે મોંઘેરો અભિપ્રાય લખી આપનાર પરમ આદરણીય શ્રી હની છાયા, શ્રી હસમુખ બારાડી, શ્રી અરવિંદ જોશી, શ્રી સતીશ વ્યાસ, શ્રી વિહંગ મહેતા, શ્રી મધુ રાય, શ્રી પ્રવીણ સોલંકી, શ્રી રાજુ બારોટ, શ્રી વસંત ઘાસવાળાની હું સદા ઋણી રહીશ.

    ‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રી કિરણસિંહ ચૌહાણે પૂરી મહેનત અને નિષ્ઠાપૂર્વક આ નાટક પુસ્તક સ્વરૂપે તમારા સુધી પહોંચાડવા માટે અત્યંત ઉત્સાહથી કામ કર્યું છે. એમની અંત:કરણપૂર્વક આભારી છું. સુંદર મુખપૃષ્ઠ બનાવી આપનાર કવિ શ્રી મહેશ દાવડકર, મારો સુંદર પરિચય લખી આપનાર શ્રી પ્રવીણ સરાઘીઆ તેમજ નાટકને અનુરૂપ પંક્તિઓ લખી આપનાર કવિશ્રી ડૉ.મુકુલ ચોકસીનો ખૂબ ખૂબ આભાર.

    મારી કલાપ્રવૃત્તિઓને હંમેશાં બિરદાવનાર મારા સાસુજી સ્વ.વિમળાબા તેમજ જેમણે મારી સાહિત્ય-નાટ્યયાત્રાનાં સંગાથી બની મોકળા મને પારિવારિક આવરણની હૂંફ પૂરી પાડી એવા મારા જીવનસાથી ગૌરાંગ, લાડલી દીકરી અનેરી તથા વ્હાલો દીકરો સાહિલ. સતત પ્રેરણા આપતાં મારા માતા-પિતાની સાંસ્કૃતિક સંસ્કારમય છત્રછાયામાં મારો ઉછેર તેમજ સુરતની સમર્થ નાટ્યસંસ્થાઓ સાથે સંકળાયેલ કળામિમાંસું, લેખક મોટાભાઈ પરેશ વ્યાસ, વ્હાલી બહેનો તેમજ મારા સર્વ આપ્તજનોને સંગ પાંગરેલી મારી નાટ્યયાત્રાનો પમરાટ આ પુસ્તક દ્વારા પ્રસરવાનો પ્રારંભ કરે છે. એથી મન – હૃદયને લાગણીભીની અનુભૂતિ તો થાય જ ને !

    આ નાટકનાં પાત્રોએ અનુભવેલી વેદના, આછેરી સંવેદના બનીને જો આપના અંતરમાં ડોકિયું કરીને નીતરશે તો મારા સર્જનને સાર્થકતા પ્રાપ્ત થશે.

- યામિની વ્યાસ.


0 comments


Leave comment