4 - અંતિમ દૃશ્ય / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


સૌરભ : (બહારથી આવતા) શુભાંગી ચાલો... તૈયાર થઈ જાવ... આખરે ઘર જવાનો સમય થઈ ગયો...
શુભાંગી : ઘર...
સૌરભ : હા... આપણું ઘર...
શુભાંગી : ઘણાં દિવસથી મને આપણું ઘર યાદ આવતું હતું... અહીં હોસ્પિટલના એકધારાપણાથી અજબ અકળામણ અનુભવાતી હતી... ચાર દીવાલો વચ્ચે એ જ રોજીંદી જિંદગી... આ એ.સી. રૂમની ઠંડક પણ હવે જાણે મને દઝાડી રહી છે... પણ હવે, જયારે ખરેખર જવાની ક્ષણ આવી ત્યારે... એવું લાગે છે કે... આ હોસ્પિટલ... આ ૭૦૭ નંબર રૂમ... અહીં વાતાવરણ... અહીંનો સ્ટાફ બધું જાણે મારા જીવનનો એક ભાગ બની ચૂક્યો છે... અહીં જ મને મોસમ... મિલી... ભવાની મળ્યાં... મારી જિંદગી રૂપી નાટકના એવા પાત્રો કે જે મારા અસ્તિત્વ સાથે જાણે એકાકાર થઈ ગયા... હવે પાછા ફરવાની ક્ષણે... આ બધાને પાછળ છોડીને દૂર ચાલ્યા જવાનું... સૌરભ, આ ક્ષણ મારે માટે બહુ જ કઠીન છે.

સૌરભ : તારી વાત સાચી છે... અને આ તારા પાત્રો માત્ર તારા જ નહીં, મારી પણ એટલા જ નજીક છે... મોસમના અચાનક મૃત્યુ બાદ બીજે જ દિવસે તને ઓપરેશન થીએટરમાં લઈ ગયા ત્યારે.. મોસમની યાદમાં અને તારી ચિંતામાં હું એવો તોચકરાવે ચઢ્યો કે એ થોડા કલાક તો જાણે વર્ષો જેવા લાગ્યા.
શુભાંગી : સૌરભ આપણે અહીં આ બધાને વારંવાર મળવા આવીશું ને ?
સૌરભ: ચોક્કસ આવીશું.

ભવાની : (પ્રવેશતાં) અને ન અવાય તો એશએમએશ કરતા રહેજો.
શુભાંગી : ભવાની !
ભવાની : હા બેન, મેં તમારા બધા જ નંબરો શેવ કર્યા છે.
સૌરભ : ભવાની... કંઈ પણ કામ હોય ને ત્યારે તારા આ શૌરભ શાહેબને યાદ કરજે.
ભવાની : ચોક્કશ... શાહેબ
સૌરભ : અને હા, ગઈ કાલે જ હું મોસમની સ્કૂલે ગયો હતો... તેના પ્રિન્સીપાલ તથા ટ્રસ્ટીઓને મળીને મંક વાત કરી કે મોસમના નામ સ્કોરશીપ આપાય... તો કદાચ...

ભવાની : આ બહુ જ શારું કામ કર્યું શાહેબ... (આંખો લૂછે છે.)
શુભાંગી : અને જો હું હવે સારી થઈ ગઈ છું.. એટલે આ તારા માટે... (એક કવર આપે છે)
ભવાની : આ શું છે ?
સૌરભ : બક્ષિશ... લઈ લે ભવાની.. તેં જ તો કહ્યું હતું કે બેન તમે સારા થઈ જાવ પછી તમારા હાથે લઈશ.
ભવાની : ના શાહેબ... હવે તો નહીં જ લેવાય... તમે મારી મોશમ બેબી માટે આટલું કર્યું એ જ બહુ છે...
શુભાંગી : ભવાની, પ્લીઝ મારે ખાતર લઈ લે...
ભવાની : ના બેન ના.

શુભાંગી : હવે લઈ લે... (બીજી એક કવર આપતાં) અને આ બાકીના સ્ટાફ માટે... તું જ આપી દેજે.
ભવાની : ચાલો બેન... આવજો ત્યારે સૌરભભાઈ... (બારણાં પાસે અટકીને) આ ભવાનીને ક્યારેક યાદ કરજો...
(સામે જ દુર્ગાદેવી આવે છે) નમસ્તે...!
શુભાંગી : મમ્મીજી આવી ગયા તમે...?
દુર્ગાદેવી : હવે જવાને કેટલી વાર છે... અડધો કલાક સુધીમાં નીકળી જવાય તો સારું... ત્યાર પછીનું મુહૂર્ત સારું નથી.
સૌરભ : ઘર જવામાં પણ મુહૂર્ત...?
શુભાંગી : હા, અમે તૈયાર છીએ.

ડૉ. રવિ : (પ્રવેશતાં) હેલો... ગૂડ મોર્નિંગ એવરીબડી...
શુભાંગી : ગૂડ મોર્નિંગ...
દુર્ગાદેવી : ડૉ. શ્રીનિવાસન આવી ગયા..? મારે એમને મળવું છે.
ડૉ. રવિ : ના હજી સુધી નથી આવ્યા... કોઈ દિવસ નહીં ને આજે જ સર આવ્યા નહીં એટલે મેં તેમના ઘરે ફોન કર્યો હતો... તો ઘરેથી જવાબ મળ્યો કે વહેલી સવારથી જ ક્યાંક જવા નીકળી ગયા છે... મોબાઈલ ઉપર પણ કૉન્ટેક્ટ નથી થઈ શકતો.

દુરાગદેવી : વેરી સ્ટ્રેઈન્જ..! મારે એમને મળવું ખૂબ જ જરૂરી હતું... ખેર, બીજીવાર મળી લઈશ.
ડૉ. રવિ : આન્ટી... આ તમારા માટે (બૂક આપતાં) મિલીએ મોકલાવ્યો છે... શુભેચ્છાઓ સાથે.
શુભાંગી : (બુકેને જોતાં) ઓહ મિલી ! (કાર્ડ ઉપર નજર પડે છે) Best wishes for good health & happiness. ડૉ. રવિ મારે છેલ્લે એકવાર મળવું હતું મિલીને.

મથુર : (પ્રવેશ કરતાં) નમસ્તે બેન ! તમે જવાના એટલે મળવા આયો.
શુભાંગી : સારું કર્યું... પણ મિલી કેમ છે ?
મથુર : હારું સ... પણ ઘરે આરામ કરીન કંટાળી ગઈ સે... જલ્દી હોસ્પિટલ આઈન કામે લાગવાની ઉતાવળ કર સ.
શુભાંગી : પણ તમે એને ડૉક્ટર પરમિશન આપે પછી જ ડ્યુટી જોઈન કરાવજો.
મથુર :હા બેન... પણ મોન ત્યારે ન.
શુભાંગી : તમારી વાઈફને કેમ છે ?
મથુર : ઘણું હારું સ.
શુભાંગી : મિલીને મારી યાદી અપાવજો.
દુર્ગાદેવી : હવે આપણે નીકળવું જોઈએ.
મથુર : લાવો સાહેબ હું લેવા લાગું (થોડો સામાન લઈને એક પછી એક રૂમને આંસુભરી આંખે નિહાળે. એક એક વસ્તુને સ્પર્શ કરે... અને પછી નીકળવા જાય ત્યાં સૌરભ પાછો આવે.)

સૌરભ : ચાલ... કેમ અટકી ગઈ હતી...?
શુભાંગી : આ ૭૦૭ નંબરના રૂમની છેલ્લી વિદાય લેતી હતી... આ રૂમ મારી જીંદગીના મહત્વના પડાવનો સાક્ષી છે, અહીં...! ચાલો... (બંને બહાર આવે. દુર્ગાદેવી બંનેની રાહ જોતાં અકળાઈ ગયા હોય એમ ઊભા છે... બધાં બહારના પેસેજમાં આગળ વધે ત્યાં જ સામેથી ડૉ. શ્રીનિવાસન આવતા દેખાય)
ડૉ. શ્રીનિવાસન : હેલો મિસિસ ભાટિયા..
શુભાંગી : હેલો સર...! તમે ક્યાં હતાં ? અમે તમારી રાહ જોઈને નીકળ્યા.
ડૉ. શ્રીનિવાસન : મારે જરા અંગત કામ હતું એટલે મોડું થયું... એની વે... બેસ્ટ ઓફ લક ફોર ફરધર લાઈફ..! (સૌરભ તરફ ફરતાં) મિ.ભાટિયા, તમે બરાબર એમનો ખ્યાલ રાખજો અને મેં તમને ગઈકાલે બતાવી તે ઈન્સ્ટ્રકશન બરાબર ફોલો કરાવજો... અને ચેક અપ માટે પણ આવી જજો.

સૌરભ : યસ સર ! વન્સ અગેઈન થેંક્યુ વેરી મચ..
ડૉ. શ્રીનિવાસન : યુ આર વેલકમ ! ગુડબાય ! (નીકળવા જાય ત્યાં જ દુર્ગાદેવી અટકાવતા)
દુરાગદેવી : એક મિનિટ ડૉક્ટર, હું પણ તમારી જ રાહ જોતી હતી. સારું થયું તમે સમયસર આવી ગયાં. (પર્સમાંથી એક ચેક કાઢી આપતાં) લો આ બ્લેન્ક ચેક. તમારી ઇન્સ્ટીટયુટ માટે... અમારા તરફથી... તમે તમારી મરજી મુજબની રકમ ભરી શકો છો.. અને તમને યોગ્ય લાગે તે માટે ખર્ચી શકો છો.. કોઈ નવું રીસર્ચ સેન્ટર... કે અન્ય સુવિધાઓ... તમને જે જરૂરી લાગે તે માટે... પણ મિલીને લાભ થાય એ વાત ખાસ ધ્યાન રાખજો.
(ડૉ. શ્રીનિવાસન ચેક હાથમાં લે અને જોઈને આપે છે.)

ડૉ. શ્રીનિવાસન : રહેવા દો.. દુર્ગાદેવી... રહેવા દો.. આ બ્લેન્ક ચેક કોઈ બીજાને આપજો...
દુર્ગાદેવી : કેમ શું થયું ? હું આ ડૉનેશન મારી શુભાંગી સાજી થઈ તેની ખુશાલી માટે આપું છું... આમ પણ અમે...
ડૉ. શ્રીનિવાસન : શુભાંગીની ચિંતા તમે જેટલી આજે કરો છો એટલી જ ચિંતા તમે ૨૫ વર્ષ પહેલાં કરી હતી ?
દુર્ગાદેવી : એટલે ?
ડૉ. શ્રીનિવાસન : મને યાદ છે. આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાનું એ પ્રાઈવેટ નર્સીંગહોમ... શુભાંગીનું ઈમર્જન્સી સિઝેરિયન ઓપરેશન... અને તમે ત્યાંના ઈનચાર્જ ડૉક્ટરને આપેલો એક બ્લેન્ક્ચેક..
દુર્ગાદેવી : મને નથી સમજાતું કે તમે કહેવા શું માંગો છો !

ડૉ. શ્રીનિવાસન : તમે બરાબર જાણો છો કે હું શું કહેવા માંગું છું... હું તે વખતે સાવ જુનિયર હતો. એ હોસ્પિટલ પણ મારે માટે નવી જ હતી... મેં તમને અહીં જે દિવસે પહેલીવાર જોયાં ત્યારે જ તમારા ચહેરો પરિચિત હોય એવું લાગ્યું હતું પણ આજે બધું જ બરાબર યાદ આવે છે.
દુર્ગાદેવી : તમે શું કહેવા માંગો છો તે હજી મારી સમજમાં નથી આવતું... અને આજ દિન સુધી દુર્ગાદેવી સાથે કોઈએ આ રીતે વાત કરવાની હિંમત નથી કરી. (ચેક પર્સમાં મૂકતા) ચાલો સૌરભ.. શુભાંગી આપણું સારું મુહૂર્ત નીકળી જશે..
સૌરભ : એક મિનિટ મમા... મારે આ વાત આજે જાણવી જ છે કે તે દિવસે ખરેખર શું બન્યું હતું ? પ્લીઝ ડૉક્ટર કેરી ઑન...
ડૉ. શ્રીનિવાસન : તો જાણી લો મિ, એન્ડ મિસિસ ભાટિયા, તમને જન્મેલું બાળક મૃત ન હતું.. ભગવાને તમારે ત્યાં સુંદર મજાની દીકરીને જન્મ આપ્યો હતો. પણ આ તમારા મમ્મીજીએ એને નકામી ચીજ ગણી ત્યજી દીધી હતી.. અને ડૉક્ટર પાસે મૃત બાળક જન્મ્યુ છે એવી જાહેરાત કરાવી હતી.
દુર્ગાદેવી : તમે આવી વાહિયાત વાતો શું કામ કરો છો..? છે કોઈ આધાર કોઈ સાબિતી તમારી પાસે..?
ડૉ. શ્રીનિવાસન : છે.. એટલે જ કહું છું... અને હું એ પણ જાણું છું કે તમારી એ દીકરી આજે પણ આ દુનિયામાં છે...

શુભાંગી : શું...? તમે જાણો છો ? ડૉક્ટર ? સૌરભ... ડૉક્ટર શું કહે છે ?
ડૉ. શ્રીનિવાસન : હા મથુર, આ મિલી તારી પોતાની દીકરી છે ?
મથુર : હા સાહેબ... પણ આવો સવાલ ચમ કરો સો ?
ડૉ. શ્રીનિવાસન : મથુર સાચું કહે, ખરેખર મિલી તારી પોતાની દીકરી છે ?
મથુર : મિલી મારી જ દીકરી સ. ખાતરી કરવી હોય તો મારી ઘરવાળીને જઈ પૂછી આવો.
ડૉ. શ્રીનિવાસન : યાદ કર મથુર... તેરમી જુલાઈ ને શુક્રવાર ઓગણીસો ત્યાસીનો દિવસ... યાદ કર મથુર યાદ કર...
મથુર : હા સાહેબ, એ દા’ડાને હું ચેવી રીતે ભૂલું...! કચરાપેટીમાં નોખવા જ્યો’તો ન્યાં.... બાળકના રોવાનો આવાજ કૉને પડ્યો. તરત જ મેં કચરો ફેંદી જોયો તો... કોઈ અભાગિયું તાજી જ જન્મેલી બાળકીને ફેંકી ગયું’તું.. ત્યાર મન કાંય હુજ્યું નૈ એટલે બાળકીન હીધી મારે ઘેર લઈ જઈન્ જેવી મારી ઘરવાળીના ખોળામાં મૂકી એવી જ ઈ રોતી બંધ થઈ જૈ. જોંણ માની હૂંફ મળી ગઈ. ઓમ્ય મારી ઘરવાળી હૃદયની બીમારીન્ લીધે મા બની હક ઇમ નો’તી. એટલે... ભગવૉનની ભેટ હમજી હેતથી અપનાઈ લીધી ને ખૂબ લાડ–કૉડથી ઉછેરીને દાકતર બનાઈ. સાહેબ ઈ સને મને... મને મળેલી. તેથી જ તો ઈનું નૉમ મિલી પાડેલું.

ડૉ. શ્રીનિવાસન (શુભાંગીને) : જે દિવસે મિલીએ મને જણાવ્યું કે તમને કીડની ડૉનેટ કરવા માંગે છે. મેં તમારા અને મિલીના રિપોર્ટ જોયાં તે પરફેક્ટ મેચ થતાં હતાં અને મારી શંકા મજબૂત બની... પણ આ વાત મેં કોઈને નહીં કરી... આજ દિન સુધી કોઈને નહીં... મેં તમારા બંનેના D.N.A. ટેસ્ટ માટે બ્લડ સેમ્પલો મોકલી આપ્યા હતાં... જેના રિપોર્ટ આજે જ આવ્યા... આ રહ્યા તે રિપોર્ટ... મિલી તમારી જ દીકરી છે... તમે જેણે એક નકામી ચીજ સમજીને કચરાપેટીમાં ફેંકી દીધી હતી તે જ તમારા કુટુંબની ઉદ્ધારક સાબિત થઈ છે.
દુર્ગાદેવી : મને માફ કરો... મારી મુર્ખામીભરી માન્યતાઓને કારણે કેટલી મોટી ભૂલ કરી... શુભાંગી... મને માફ કરજે. મેં તને બહુ અન્યાય કર્યો છે... આજે મિલીને જોઉં છું ત્યારે તો પશ્ચયાતાપ થાય છે.. મને મિલી પાસે લઈ જાવ... મિલીના ઘરે... મિલીનું ઘર...
(આગળ જવા જાય ત્યાં સામે જ ડૉ. રવિ મિલીને લઈને આવી ઊભો દેખાય...)

શુભાંગી : મિલી...!
(મિલી એક ડગલું ભરે અને પછી ઊભી રહી જાય)
મથુર : હા બેટા... જા... એ જ તારા હાચા મા–બાપ સ.
(મિલી એક બે ડગલાં ભરે અને પાછી ફરતાં)
મિલી : બાપુ... (મથુરને વળગી પડતાં)... ના તમે જ મારા બાપુ છો... હું તમને છોડીને ક્યાંય નથી જવાની
શુભાંગી : ઓ મારી મિલી... મારી દીકરી તું હમણાં પણ છે... મારામાં... મારા શરીરમાં આરોપાએલી આ જીવંત કીડનીના રૂપમાં... હવે તો તું હંમેશા મારામાં જ... મારામાં જ...
(પંક્તિઓ ગૂંજે...)

સૂના સંબંધો ફરીથી ભીનાભીના થઈ ગયા,
એ બધાને વ્હાલથી વાળો, મિલના ઘર તરફ.

(પડદો પડે.)


0 comments


Leave comment