4 - ગયો ભીતર તો ગયો આસમાનની ઉપર / હર્ષ બ્રહ્મભટ્ટ


ગયો ભીતર તો ગયો આસમાનની ઉપર,
હતાં રહસ્ય બધાં સર્વ જ્ઞાનની ઉપર.

ખબર પડે જ નહીં એમ દઈ શકે તો દે,
નથી, નથી જ પછી કૈં જ દાનની ઉપર.

બધાએ માન્યું સૂઝશક્તિથી બચ્યા કાયમ,
અદીઠ કોઈ હતું હર સુકાનની ઉપર.

બધે જ સરખા પવન, ચાંદની અને તડકો,
નથી જ આભ અલગ ઘર-સ્મશાનની ઉપર.

એ બંદગીની વાત હો કે બેઈમાનીની,
બધું જ ચાલતું જોયું જબાનની ઉપર.


0 comments


Leave comment