5 - કૈંકને મૂર્તિમહીં પથ્થર મળ્યા’તા / હર્ષ બ્રહ્મભટ્ટ


કૈંકને મૂર્તિમહીં પથ્થર મળ્યા’તા,
કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા.

ને પછી અંતર રહ્યાં જન્મોજનમનાં,
જેમની સાથે અહીં અંતર મળ્યા’તા.

સાવ સાચા લાગતાં માણસ કનેથી,
સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા’તા.

રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા જે,
બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા’તા.

ઊજવ્યા સૌએ ભરીને રંગ મનના,
એકસરખા સર્વને અવસર મળ્યા’તા.


0 comments


Leave comment