9 - યાદને જ્યારે ચકાસી હોય છે / હર્ષ બ્રહ્મભટ્ટ


યાદને જ્યારે ચકાસી હોય છે,
શ્વાસમાં ઘેરી ઉદાસી હોય છે.

જેમની ઊર્જા મળે છે વિશ્વને,
એ બધા એકાંતવાસી હોય છે.

કોણ જાણે છે અહીં કોની નજર,
ક્યારે ? કેવી? કેમ? પ્યાસી હોય છે.

સાચવે છે એક ક્ષણ એવી મને,
કંઈક સદીઓ જેની દાસી હોય છે.

શ્વાસ રૂપે આળ ઓઢાયા કરે,
કલ્પના સૌની વિલાસી હોય છે.

તોય પણ છુટ્ટો મને મૂકે નહીં,
લાગણી મારાથી ત્રાસી હોય છે.

ચીબરીના બોલથી ભૂલા પડે,
ખૂબ શંકાશીલ પ્રવાસી હોય છે.


0 comments


Leave comment