10 - કૈંક બનવાના વિચારે કૈં જ પણ મોંઘુ નથી / હર્ષ બ્રહ્મભટ્ટ


કૈંક બનવાના વિચારે કૈં જ પણ મોંઘુ નથી,
પણ જીવન કરતાં વધારે કૈં જ પણ મોંઘુ નથી.

તું કહે એ ચીજ હું કુરબાન તારા પર કરું,
છે ખબર ? તારા ઇશારે કૈં જ પણ મોંઘુ નથી.

અન્ન ને જળના હતા કૈં ભાવ મઝધારે ગજબ,
લોભ કહેતો’તો કિનારે કૈં જ પણ મોંઘુ નથી.

સર્વની પાસે સતત પૈસો વધ્યો છે એટલો,
દોસ્ત ! આ મોંઘી બજારે કૈં જ પણ મોંઘુ નથી.

આપનો આ ‘હર્ષ’ કેવળ યાદ સાચવતો રહ્યો,
પ્રાણની સાચી પુકારે કૈં જ પણ મોંઘુ નથી.


0 comments


Leave comment