2 - વિશેષ તો બીજું કશું કહેવાનું નથી / નિવેદન / જગદીપ ઉપાધ્યાય


તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો
લાગે છે તમોને હજુ –
ફૂલોએ ડંખ દીધા નથી !
(‘કાંટા’)

     ઓગસ્ટ – ૧૯૮૧માં ડૉ.સુરેશ દલાલે ‘કવિતા’માં મારું આ લઘુકાવ્ય પ્રસિદ્ધ કર્યું ત્યારથી માંડીને આજ સુધીની અઢી દાયકા જેટલા સમયની મારી કાવ્યસાધનાનો પરિપાક એ આ કાવ્યસંગ્રહ ‘શબ્દધનુ.’

    મારી દૃષ્ટિએ કવિતા એટલે ઈશ્વરને ગમતા થવાનો પ્રયાસ. આ કાવ્યયાત્રામાં ચૈતન્યતત્વ સાથે આત્મસાત્ થવાની કેટલીક ક્ષણો મળી. ‘આફ્ટર શોકસમાં અભય આપતી રચના’ એ ગુજરાતમાં આવેલા ધરતીકંપ પહેલાં લખાયેલી. આજે એ કેટલી પ્રસ્તુત લાગે છે !

    છેકથી આગવું, અલગ કરવાની મારી ભાવના રહી છે –

પથરાળ, કાંટાળી, વિકટ છોને સફર આપો,
જગથી અલગ ને આગવી કિન્તુ ડગર આપો.
(‘અભ્યર્થના’)

    ગુજરાતી સાહિત્યમાં કશુંક નક્કર પ્રદાન કરવાના હેતુથી આરંભાયેલી કાવ્યયાત્રા એકંદરે સભર રહી. ગીતો સફળતાપૂર્વક લખી શકાયા પણ ખાસ કરીને ગઝલના પ્રદેશમાં જ્યાં સુધી મારી દૃષ્ટિ વિસ્તરી શકી, તે તરફ હું ધ્યાન દોરવાં માગું છું.

ફૂલ વિશે, રંગ વિશે મેં કહ્યું બોલો જરી તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલો હજુ ખીલ્યાં નથી'
ફૂલ ખીલે તો પછી શું ? એમ જો પૂછ્યું ફરી તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલો હજુ ખીલ્યાં નથી'

ફૂલ વિષયમાં કરી મેં હોય ઉતાવળ, હજુયે હોય પતઝડની અસર કે ફૂલ પ્રત્યે હોય એને પૂર્વગ્રહ ;
એમની સામે નજર મેં ઠેરવી શંકા ભરી તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલો હજુ ખીલ્યાં નથી'
(‘એમના નિરાળા ઇન્કારની અ-ફૂલ કથા’)

અંધારાં કદી ઝળહળ સૂર્યને નડવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.
તારાઓ પવન કેરી ફૂંકથી ઠરવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.

કૂવાઓ થાશે કોઈક નિર્જળા, સુકાશે નદી ખળખળ ક્યાંક કે વિસ્તરશે બહુ તો ધરતી તણા ખૂણે કો'ક રણ;
પણ નયનો તણા જળ ક્યારેય તે ઘટવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.
(આફ્ટર શોકસમાં નિર્ભય બનાવતી રચના’)

    સામાન્ય રીતે ગઝલમાં એક કરતાં વધુ, અલગ-અલગ ભાવવિશ્વોને ગઝલની તાસીરમાં ઢાળવામાં આવે છે. જ્યારે મેં સૂક્ષ્મમાં જઈને એક જ ભાવવિશ્વમાં સ્ફૂટ થતાં અલગ-અલગ ભાવોને આલેખવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં ગઝલની રૂઢ તાસીર પકડવાને બદલે ચિત્તાકર્ષક કલ્પનોવાળા ગદ્યવાક્યો લઈ, તેમાંના કોઈ એક શબ્દ કે શબ્દખંડ દ્વારા ચમત્કૃતિ કે વ્યંજના ઉઠાવી, તેને પદ્યમાં પલટાવી, તે પદ્યને યોગ્ય માપવાળા, ગઝલના સ્વરૂપમાં ઢાળવાનો પ્રયોગ કર્યો. તેમાં કાફિયા તો છે જ, પરંતુ કંઈક ભિન્ન, ક્યારેક પ્રલંબ એવાં રદીફ એક નવું જ પરિમાણ ઊભું કરે છે. આ આયાસ સાર્થક થયો હોય એવું લાગે છે.

    ડૉ.હેમંત દેસાઈ આ વિશે લખે છે, ‘અલબત્ત એમાં કાફિયા-રદીફ આવે છે તેમ કાવ્યસિદ્ધિમાંય તે ઊણી ઊતરતી નથી. પરંતુ ભાષાકર્મ અને રચનારીતિની દૃષ્ટિએ જોતાં તેને ગઝલ નહીં, ગઝલકલ્પ કૃતિ કહેવી પડે.’ – આ જે ગઝલકલ્પ કૃતિઓ – ત્યાંજ મારી મૌલિકતા છે. મારા સાહિત્યનો વિકાસ છે. ગઝલનો ચીલો ચાતરીને કશોક ભિન્ન રસ ઉત્પન્ન કરી શકાયાનો આનંદ, એ મારા પ્રથમ કાવ્યસંગ્રહની વિશેષ ઉપલબ્ધિ છે. બાકી મારા સાહિત્ય વિશે અને મારા પરિચય વિશે સુપ્રસિદ્ધ સાહિત્ય મર્મજ્ઞ એવાં અનુક્રમે શ્રી ડૉ.હેમંત દેસાઈ અને શ્રી કરસનદાસ લુહારે ઊંડાણથી લખ્યું છે એટલે વિશેષ તો બીજું કશું કહેવાનું નથી.

જગદીપ ઉપાધ્યાય
૧, આરોગ્ય નગર, વાંકાનેર
જિ. રાજકોટ – ૩૬૩૬૨૧


0 comments


Leave comment