11 - ફૂલો માથે ચડાવ્યા છે / જગદીપ ઉપાધ્યાય
રહી હસતા સદાએ જખ્મ સૌ ઉરથી લગાવ્યા છે,
ફૂલોએ કંટકો વચ્ચે જુઓ માળા સજાવ્યા છે.
ભળી જા મ્હેક થૈ જગમાં ફિતૂર સૌ ધર્મના ત્યાગી,
ધરે શું ફૂલ એને જેમણે ફૂલો બનાવ્યા છે.
અમે માળી તણા જેને રૂપાળા નામ દીધા'તા -
ફૂલોની ચામડી પર એમણે નસ્તર ચલાવ્યા છે.
અલગ રંગો, અલગ ખુશ્બો છતા ના ભેદ હૈયે કૈં ;
પ્રભુએ એટલે ફૂલો સદા માથે ચઢાવ્યાં છે.
ન સમજો લાગણી ઓછી નયનને શુષ્ક ભાળીને,
અમે તો ભીતરે કૈં કેટલા દરિયા વહાવ્યા છે.
'વિશ્રામ' : જૂન – ૧૯૯૧
0 comments
Leave comment