12 - શૂળે લટકી... / જગદીપ ઉપાધ્યાય


અશ્રુઓના ખભળવાના પ્રસંગોયે ઘણાં આવ્યાં,
પ્રસંગોનાં બગડવાના પ્રસંગોયે ઘણાં આવ્યાં.

અતિરેકો જલન, દંભો, છલન, વિચ્છેદ, કડવાશો;
સુખોમાંયે સબડવાના પ્રસંગોયે ઘણાં આવ્યાં.

કુમાશો શૂળ માફક ફૂલની ખૂંચી જુદાઈમાં,
વસંતોના ખટકવાના પ્રસંગોયે ઘણાં આવ્યાં.

પતંગિયા થઈ ગયા શ્વાસો ઘણીયે ના કહી તો પણ,
શૂળે લટકી તડફવાના પ્રસંગોયે ઘણાં આવ્યાં.

ઉદાસીને સમયને પાંદડે લખતો પવન ભાળી,
ગઝલ પીને લથડવાના પ્રસંગોયે ઘણાં આવ્યાં.

'વિશ્રામ' : સપ્ટેમ્બર – ૨૦૦૨


0 comments


Leave comment