13 - કાતીલ કરવત / જગદીપ ઉપાધ્યાય


કાતીલ કરવત કાળનું ફરતું રહ્યું ને સાવ હું જોતો રહ્યો,
દળ શ્વાસનું અસ્તિત્વને હરતું રહ્યું ને સાવ હું જોતો રહ્યો.

મેં ચીતરેલા આ સંબંધો નામના લીલા સરોવરના જળે,
શબ લાગણીનું કાષ્ટવત્ તરતું રહ્યું ને સાવ હું જોતો રહ્યો.

જોવા ગયો કૂંપળ ફરકતી ભાગ્ય કેરી ડાળ પર,
પીળાશવર્ણું પાંદડું ખરતું રહ્યું ને સાવ હું જોતો રહ્યો.

બેસી જવાયું ભીતરેથી શું ખબર ક્યારે સ્મરણના વ્હાણમાં,
મૂકી કિનારે એ મને સરતું રહ્યું ને સાવ હું જોતો રહ્યો.

પંખી નહીં કરતાં અહીં કલરવ જરાયે સાંજ ડૂબી ગઈ છતાં,
એકાન્તને પડ મૌનનું ભરતું રહ્યું ને સાવ હું જોતો રહ્યો.

મેં માંડ ચેતાવેલ ફૂંકી એ સમયની તાપણી પણ ગૈ ઠરી,
અકડાઇ પડખું રાતનું ઠરતું રહ્યું ને સાવ હું જોતો રહ્યો.

'ધબક' : ગઝલ ત્રૈમાસિક જુન – ૧૯૯૭


0 comments


Leave comment