14 - પ્રતીક્ષા / જગદીપ ઉપાધ્યાય
યાદોનું ઓગળતું ધુમ્મસ તુષારભરી ઝાડીમાં પથરાતું દૂર...દૂર...દૂર...
ગિરીવનમાં સંગાથે ગાયેલું ગીત રોજ શિખરોમાં પડઘાતું દૂર...દૂર...દૂર...
આંગણમાં ઝૂકેલી ડાળો પર કોળ્યું છે જાણે હરિયાળું વેરાન,
આસપાસ તોય દૂર લાગે પતંગિયાનાં નર્તન ને પંખીનાં ગાન.
વિસ્તરતા આકાશે વિહ્વળ વિહંગ કોઈ ઊડીને ઘૂમરાતું દૂર...દૂર...દૂર...
કોઈ વાર ઉપવનમાં સારેલાં આંસુનાં ફૂલોમાં ખીલ્યા છે રંગ,
ઝરણું થૈ ઝૂમ્યાના; કેડી થૈ કૂદ્યાના; રાખ્યા છે સાચવી ઉમંગ.
ડુંગરનો ઢાળ કોઈ ઊતરતું હોય એમ નજરોને વરતાતું દૂર...દૂર...દૂર...
'અખંડ આનંદ' : સપ્ટેમ્બર – ૧૯૯૯
0 comments
Leave comment