19 - વતનાયણ / જગદીપ ઉપાધ્યાય


હતું એક રંગે હતું એક રાગે, હવે ગામ મારે જવા મન ન માને,
અહીં પ્હોર થાતા નવો પક્ષ જાગે હવે ગામ મારે જવા મન ન માને.

પણે દૂર રેલાય પાવો ન જંતર, કર્યું ગોપ લોકે અહીંથી સ્થળાંતર;
ચવાયેલ કેસેટ બેફામ વાગે હવે ગામ મારે જવા મન ન માને.

ગમે તે પ્રકારે કરી હાથ આસન લજ્જા વગરનો કરે શખ્સ શાસન,
લીધો જાણે ભરડો ભીષણ કોઈ નાગે હવે ગામ મારે જવા મન ન માને.

જનેતા લીસા છીપરે વસ્ત્ર ધોતી, જળે ઢબઢબુ દૂર તો સાદ દેતી;
નદીપટ બળે આજ એ શુષ્ક આગે હવે ગામ મારે જવા મન ન માને.

હજુયે મળે છે અહીં આવકારો છતાં કોણ જાણે નથી એ ઉમળકો,
બધા અવસરો માત્ર વ્યવહાર લાગે હવે ગામ મારે જવા મન ન માને.

'કવિતા' (૨૦૬) : ડિસેમ્બર - જાન્યુઆરી - ૨૦૦૧ – ૦૨


0 comments


Leave comment