21 - નદી કિનારે સાંજ / જગદીપ ઉપાધ્યાય


ભળી સાંજ ગઈ છે નદીને કિનારે,
ઢળી સાંજ ગઈ છે નદીને કિનારે.

સહ્યો ના ગયો સૂર્ય કેરો ઝુરાપો,
બળી સાંજ ગઈ છે નદીને કિનારે.

પવનમાં તરન્નુમ અને ઘાસ લીલા,
હળી સાંજ ગઈ છે નદીને કિનારે.

હતાશા, વ્યથાઓ, ગમો - જિન્દગીના;
ગળી સાંજ ગઈ છે નદીને કિનારે.

અજંપાભર્યું ત્રસ્ત ભાળી નગરને,
વળી સાંજ ગઈ છે નદીને કિનારે.

ભરી દે જે મારી ગઝલને શિરાઓ,
મળી સાંજ ગઈ છે નદીને કિનારે.

'વિશ્રામ' : જુન – ૧૯૯૨


0 comments


Leave comment