22 - કૃષક કન્યાનાં સંકલ્પ - વિકલ્પનું ગીત / જગદીપ ઉપાધ્યાય
વાસંતી વાયરામાં ફગફગતું લહેરિયું માંડ માંડ અંગે જાળવતી,
ચાસવાયે ઓરા આવો તો રાજ મને સાંજ સંગ ભાળો આથમતી...!
આમ તેમ લહેરાતાં લીલાછમ મોલની લીલાશો કાયામાં છલકે,
કૂવાના સૂના થાળામાંથી ઊડીને છાતીમાં પારેવું મલકે !
અંગમાંથી આવે છે ઘાસ તણી ગંધ અને લોહીમાં ધસમસતી હાથમતી...!
સાવ રે અવાચક આ ઊભેલા ચાડિયાને વાચા ફૂટે ને કંઇ બોલે !
ઓચિંતા આવીને બાપુ પરગામેથી હાંક દઈ ઝાંપલીને ખોલે,
અણજાણ્યા ભાતીગળ રંગોને આજ હવે બંધ થાય સંધ્યા ઠાલવતી...!
'વિશ્રામ' : નવેમ્બર – ૨૦૦૧
0 comments
Leave comment