4 - ‘મારો’ અવાજ ભણી / તારો અવાજ / મનહર મોદી


    હર્ષદ ત્રિવેદી ગીતસર્જક તરીકે જાણીતા છે, એટલા જ ગઝલકાર તરીકે પણ ઓળખાયા છે, અને પોંખાયા છે.

    આ બેય સ્વરૂપમાં રમમાણ આ કવિ અછાંદસ લખે અને એનો સંગ્રહ પણ તાબડતોબ પ્રગટ કરે એને હું નવી સદીની ઉતાવળ નહીં કહું.

    સર્જકને પોતીકો અવાજ અકબંધ રાખવા જે કાંઈ બ્રેક કે રેસ્ટ જ્યારે જોઈએ ત્યારે લે તે પ્રકારનો ‘મામલો’ તો ‘તારો અવાજ’ નથી ને ?! – એવી શંકા કે આશ્ચર્ય મને નથી થતાં એમ નહીં, પણ એ વચલા માર્ગ સમાન લગભગ છે.

    મુખ્ય રસ્તાની બાત ઔર હૈ.
    ગઝલમાં તગઝ્ઝુલ અને ગીતમાં નજાકત પુરુષ કવિને ‘પ્રિયતમા’ કે ‘એ’ જેવા રૂપ કે સંબોધનથી સાંત્વના પહોંચાડે છે, એ આપણે જાણીએ છીએ, ભલે થીમ કે મુખ્ય ભાવ અ-મિલન કે નિરાશાનો હોય.

    એ જ બાબત અછાંદસ માધ્યમે નિરૂપાય તો કેવી અને કેટલી મજબૂત કે સૂક્ષ્મ તંગદિલી કે વ્યથા સર્જે, એનું માપ કે મેળ નાણવાનું કે જાણવાનું સહેલું નથી.

    ‘તારો’ અવાજ સાંભળવા હર્ષદ આંખ-કાન-નાક-માથું-મોઢું એક કરે છે ત્યારે એને ‘મારો’ અવાજ સંભળાય છે.

    એ અવાજની મધુર રચનારીતિ આદિ, મધ્ય, અંતની એકસૂરીલી, કદાચ જડબેસલાક સમાણી અનુભવાય તો વાંધો નહિ.

    એક વ્યક્તિ, જે સામે નથી, એનો પ્રત્યક્ષ હોવાનો અનુભવ કવિ કરે છે અને આપણને કરાવે છે ત્યારે વણછીપી અબોલ તરસ જાગૃત થાય છે. પ્રથમ રચના ‘તારો અવાજ’ ની અંતિમ પંક્તિઓ જુઓ :

હજીયે હું શોધું છું તારો અવાજ
મધુર-મધ્ધમ-મલપતો
રવાદાર રણકતો
મારા કોઈ ગીતની પંક્તિ શો
ચળકતો તારો આવાજ !

    તારો, અર્થાત્ ‘એનો’ મલપતો, રણકતો, ચળકતો અવાજ આ સંગ્રહની રચનાઓનો મુખ્ય સૂર કે સાદ છે. એ હર્ષદે એટ-ઈજ સાંભળ્યો છે, અને આપણને સંભળાવ્યો છે.

    ‘તારો અવાજ’ પોતાની રીતે, કર્કશ થયા વગર, કે કંટાળો આપ્યા વગર વહે છે, કહો કે આગળ વધે છે, એટલું ભારપૂર્વક નોંધવાનું ગમે છે.

    હર્ષદ ‘સરળ’માંથી અ-સરળ અછાંદસ તરફ આગેકદમ અને એમ આગેકૂચ આદરે એ જોવા આતુર છું.

    હર્ષદને ‘તારો’ અવાજ, ભૂલ્યો ‘મારો’ અવાજ બદલ અભિનંદન !

- મનહર મોદી
૧૫-૦૨-૨૦૦૩


0 comments


Leave comment